સરદાર પ્રતિમા ધોરીમાર્ગના ખસ્તા હાલતથી કેળના છોડ રોપી અનોખો વિરોધ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આજથી પાંચ વર્ષ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેડતા અને ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા માર્ગનું ધોરીમાર્ગમાં વિસ્તૃતિકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કામગીરી શરૂઆત થયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ લોકો માટે ખુલ્લું મુકાયું છે.પરંતુ આજ દિન સુધી ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેડતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગની કામગીરી પૂર્ણ થઈ નથી અને કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોય તેવી ભીતિ સેવાઈ રહી છે.
હાલમાં ચોમાસા દરમ્યાન ખૂબ મોટાપાયે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ બદતર હાલતમાં બની ગયો છે.શાસક પક્ષના નેતાઓ તથા ધારાસભ્યો તથા કાર્યકરો શાસક પક્ષ સામે તંત્ર સામે અવાજ ઉઠાવવા કે ફરિયાદ કરવા સક્ષમ નથી, ત્યારે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા અનોખી રીતે સરદાર પ્રતિમા ધોરીમાર્ગની ખસ્તા હાલતનો વિરોધ કર્યો હતો.
ખેડેલા ખેતર જેવી હાલતમાં થઈ ગયેલા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ખેતરોમાં પાણી ભરાયા હોય તેવી હાલત થતા કોંગ્રેસ સમિતિ દ્વારા કેળના છોડ રોપીને અનોખી રીતે તેનો વિરોધ કર્યો હતો અને ઝઘડિયા તાલુકાની જનતા તથા સરદાર પ્રતિમાના પ્રવાસીઓને પડતી તકલીફોનો અવાજ વહીવટી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.