ડેમોના દરવાજા ખોલાતાં મોટા ભાગની નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ
અમદાવાદ, રાજ્યમાં અતિભારે વરસાદ પડતાં તમામ જળાશયોમાં પાણીની આવક થઈ છે. આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારેવરસાદ પડતાં નદીઓનું જળસ્તર વધવા લાગ્યું છે. ગુજરાતના સૌથી મોટા નર્મદા ડેમમાં સતત જળસપાટી વધતાં કેટલાંક દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે-સાથે જે ડેમોના દરવાજા ખોલવામાં આવ્યાં છે. તે નદીના કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયાં છે. ત્યારે કેટલાક ગામોને તો ખાલી પણ કરવામાં આવ્યાં છે.
ઉકાઈ ડેમના પણ દરવાજા ખોલાતાં તાપી નદી ગાંડીતૂર બની છે. એજ રીતે મચ્છુ ડેમના પણ દરવાજા ખોલાતાં નિચાણવાળઆ ગામો ખાલી કરાવામાં આવી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા તમામ જળાશયો ઉપર નજર રાખવામાં આવી રહી છે. હાલ ૭૬ જેટલા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયાં છે. આ સાથે કુલ ૯૬ ડેમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યાં છે. સાબરમતી નદીમાં પણ પાણીની આવક થવા લાગી છે. જેના પગલે કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે રાજકોટમાં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત અનેક નિચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાઇ ગયા છે. રાજકોટના ભાદર ૨ ડેમના ૧૮ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે આસપાસનાં ગામડાઓને તાકીદ કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં ગત રોજથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે લગભગ દરેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોની મુશ્કેલી વધી છે. તેવામાં મોરબીની મચ્છુ ડેમના દરેક દરવાજા ખોલી નાખવામાં આવતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સામખિયાળી માળિયા હાઈવે બંધ કરાયો છે. હાલ તંત્ર એલર્ટ મોડમાં છે.
આણંદ ૪૮ કલાકમાં ૨૪ ઈંચ વરસાદથી બેહાલ જોવા મળી રહ્યું છે. આવામાં આણંદના કલેકટર પ્રવીણભાઈ ચૌધરીએ જિલ્લાના ૨૬ ગામોને એલર્ટ કર્યા છે. ખેડા જિલ્લાના વણાંકબોરી ડેમમાં પાણીની આવક વધી છે. એમપી અને રાજસ્થાનમાં ભારે વરસાદ થતાં વણાંકબોરી ડેમમાં પાણી છોડાયું છે. હાલ વણાંકબોરી ડેમમાંથી ૪ લાખ ક્યુસેક પાણી ગળતેશ્વર પાસે લોકમાતા મહીસાગર નદીમાં છોડાયું છે.
આણંદ જિલ્લાના આંકલાવ, બોરસદ, ઉમરેઠ અને આણંદ તાલુકાના ૨૬ ગામો મહીસાગર નદી કિનારે આવેલા છે. આણંદના કલેકટર પ્રવીણભાઈ ચૌધરીએ ૨૬ ગામોના તલાટી અને સરપંચને સતર્ક રહેવા સૂચના આપી છે.