ડાંગ જિલ્લાની કુલ ૪૧ ગ્રામ પંચાયતોને બ્રોન્ઝ અને સિલ્વર મેડલથી સન્માનિત કરાઇ

આહવા જનરલ હોસ્પિટલમાં “ટીબી મુક્ત ગ્રામ પંચાયત” કાર્યક્રમ યોજાયો
(ડાંગ માહિતી બ્યુરો)ઃ આહવાઃ “૨૪ મી માર્ચ, વિશ્વ ક્ષય દિવસ” નિમિત્તે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને જિલ્લાની જનરલ હોસ્પિટલ આહવા ખાતે ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાની કુલ ૪૧ ગ્રામ પંચાયતોને “ટીબી મુક્ત ગ્રામ પંચાયત” કાર્યક્રમ અંતર્ગત બ્રોન્ઝ અને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને મોમેન્ટો તથા સર્ટીફીકેટ એનાયત કરાયાં હતાં.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં આજ દિન સુધી સારવાર પર મુકાયેલ કુલ ૪૮૧ ટીબીના દર્દીઓને કુલ ૬૬ નિક્ષયમિત્ર દ્વારા કુલ ૧૯૭૬ જેટલી અનાજની કીટ પુરી પાડવામાં આવેલ છે. જેના કારણે જિલ્લામાં ટીબીના દર્દીઓને સારવાર પુર્ણ કરાવવાના સારા પરિણામો મેળવી શકેલ છે તેમ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત ટીબી મુક્ત દેશ બને તે માટે દરેક લોકો દેશને સ્વસ્થ બનાવવામાં પોતાની ભાગીદારી નોંધાવે જે માટે લોકો અધંશ્રધ્ધાથી દુર રહીને પહેલાં હોસ્પિટલમાં સારવાર માટે જાય તે જરૂરી છે. સરકાર ટીબીના દર્દીઓને સારવાર પુરી પાડવાં આર્થીક સહાય પણ કરે છે
ત્યારે સૌએ જાગૃત બની ટીબી મુક્ત ભારત બનાવવા પોતાની ભાગીદારી નોંધાવી જરૂરી છે. દરેક લોકોને “ટીબી હારેગા દેશ જીતેગા” ને સુત્ર સાર્થક બનાવવાની સાથે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું આહવાન શ્રી ચૌધરીએ કર્યું હતું.
ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખુબ મુશ્કેલ હતી. પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે. તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટી.બી. એ રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે. તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.
મફત અને ગુણવત્તા યુક્ત નિદાન અને સારવાર ઉપરાંત વધારાના પોષણ માટે ની “ક્ષય પોષણ” યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા ટીબીના દરેક દર્દીને જ્યાં સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહીને તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૧૦૦૦ પ્રતિ માસ સીધા જ ચુકવવાની જોગવાઈ કરેલી છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આ પ્રયાસને વેગવાન બનાવવા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશનો કોઈ પણ નાગરિક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ કે ઉદ્યોગગૃહો વગેરે યથા શક્તિ આવા દર્દીને રાશન કીટ દર મહીને સમર્પિત કરી નિક્ષય મિત્ર તરીકે આ મહાયજ્ઞમાં સહભાગી બને છે.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બાગુલ, તેમજ જિલ્લા સદસ્ય શ્રીમતી બીબીબેન ચૌધરી, શ્રીમતી નિલમબેન ચૌધરી, સહિત આહવા જનરલ હોસ્પિટલના અધિક્ષકશ્રી
ડો.મિતેશ કુનભી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.બિનેશ ગામિત, તાલુકા આરોગ્ય અધિકારી સર્વેશ્રી ડો.સ્વાતી પવાર, ડો.અનુરાધા ગામિત, ડો.નિલકેતુ પટેલ સહિતના આરોગ્ય કર્મીઓ તેમજ જુદાં જુદાં ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.