ઘાતક દોરીથી નાગરિકોનાં મોત ચલાવી નહીં લેવાયઃ હાઈકોર્ટ
ઘાતક ચાઈનીઝ દોરી સામે હાઈકોર્ટની લાલઆંખઃ હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો, સરકાર ચાઇનીઝ દોરી પર પ્રતિબંધની અમલવારી કઈ રીતે કરાવી રહી છે તેની પણ જાણકારી આપવાની રહેશે
(એજન્સી)અમદાવાદ, ભારત એક એવો દેશ કે જ્યા અનેક વિવિધતાઓ સાથે ઉત્સવ પ્રિય દેશ છે. આ સાથે ભારત દેશ સાંસ્કૃતિક દ્રષ્ટીએ પણ ઘણુ જ મહત્વ ધરાવે છે. દેશમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો સર્વ ધર્મ સમભાવના મંત્ર સાથે વસવાટ કરી રહ્યાં છે
એટલે દેશમાં અનેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થતી હોય છે. જેમાં ઉત્તરાયણનો તહેવાર પણ ખુબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. ઉત્તરાયણનો તહેવાર નામ આવતાં જ ગુજરાત અને ગુજરાતીઓ યાદ આવે તે સ્વાભાવિક છે.
ગુજરાતીઓનો આગવો અને અતિપ્રિય ઉત્સવ એટલે ઉત્તરાયણ કહેવામાં આવે છે. પરંતુ દઃખની વાત એ છે ઘણાં પતંગ રસીયાઓ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતાં હોય છે. આ સાથે કેટલાક વેપારીઓ પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં હોય છે.
જેથી ગુજરાતમાં બેફામ પણે વેચાતી જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણને લઈને ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાલમાં પ્રતિબંધ હોવા છતાં બજારમાં ક્યાંક ક્યાંક છુપી રીતે જીવલેણ ચાઇનીઝ વેચાય છે. ચાઇનીઝ દોરીથી લોકોના જીવ જતાં રહતા હોવાથી પ્રતિબંધ કરી દેવામાં આવેલ છે. જેથી ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી છે કે આ ઘાતક દોરીથી નાગરિકોનું મોત થાય તે ચલાવી લેવામાં નહીં આવે.
આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે, અને કહ્યુ હતુ કે સરકાર ચાઇનીઝ દોરી પર પ્રતિબંધની અમલવારી કઈ રીતે કરાવી રહી છે તેની પણ જાણકારી આપવાની રહેશે. સરકારને બે જ દિવસમાં જવાબ આપવા આદેશ કરવામાં આવ્યો.
આ સાથે ઉત્તરાયણ દરમ્યાન પોલિસ દ્વારા કડક રીતે પેટ્રોલિંગ કરવામાં આવશે. અને ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ, ગુબારા તથા ભારે અવાજમાં લાઉડ સ્પીકરો વગાડવા પર પણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવું પણ ભારે પડી શકે છે,
મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે વડોદરા પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ દોરાની ખરીદી અને વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે. આ ઉપરાંત ચાઈનીઝ તુક્કલ, ગુબારા તથા ભારે અવાજમાં લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ છે.