દાંતા તાલુકામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 8 ઇંચ વરસાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/idar-rain1-1024x666.jpg)
બનાસકાંઠા, સુરત, તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
(એજન્સી)અમદાવાદ, બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.બનાસકાંઠાના દાંતા તાલુકામાં આભ ફાટ્યું છે. અહીં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના નદી નાળાઓ પાણી-પાણી થયા છે. અર્જુની નદી સહિતના અનેક ગામોમાં પાણી ભરાયા છે.
દાંતા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે. દાંતા તાલુકમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. અનેક નદીઓ પુનર્જીવિત થઈ છે. પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદના પગલે મોટાભાગના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. દાંતા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દાંતામાં ભારે વરસાદ વરસતા ઠેર-ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાંતા સિવિલમાં ઘૂંટણસમા પાણી ભરાતા અનેક દર્દીઓને હાલાકી ભોગવવામાં વારો આવ્યો હતો.
દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. હોસ્પિટલમાં વરસાદી પાણી આવતા સ્ટાફ દોડતો થયો હતો. હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે વહેલી સવારે દાંતામાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી દર્શાવી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ સર્જાયો હોવાથી આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાતના જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. તે સિવાય જ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે ૭ જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. જેમાં વરસાદની શક્યતા છે.
ભારે ઉકળાટનો અનુભવ કર્યા બાદ શહેરજનોને રાત્રે પણ વરસાદી ઠંડક પ્રાપ્ત થઈ નહોતી જ્યારે આજે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. સવારથી જ અમદાવાદના આકાશમાં વાદળો બંધાયા છે અને ભારે ઉકળાટનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.