રસ્તો પૂછવાના બહાને બે ગઠિયા વૃદ્ધાના દાગીના કઢાવી રફુચક્કર
અમદાવાદ, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરનામું પૂછવાને બહાને નજર ચૂકવીને ચોરી કરતી ગેંગનો આતંક વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક પછી એક આવા બનાવો સામે આવી રહ્યા છે. શહેરના ઓઢવમાં બે ગઠિયાએ રસ્તો પૂછવાનો બહાને વૃદ્ધાને પોતાની જાળમાં ફસાવીને સોનાના દાગીના સેરવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બે ગઠિયા વૃદ્ધા પાસે મદદને બહાને દાગીના કઢાવી રૂમાલમાં મૂકવાનું કહી તે લઈ રફુચક્કર થઇ ગયા હતા.
ઓઢવની શિવદર્શન સોસાયટીમાં રહેતાં ૭૨ વર્ષીય રેવાબહેન સોલંકીએ બે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ કરી છે. રેવાબહેન નિવૃત્ત જીવન ગુજારે છે. થોડા દિવસ પહેલો બપોરના બાર વાગ્યાની આસપાસ રેવાબહેન ઓઢવ મોટા દીકરાના ઘરે ચાલતાં ચાલતાં જતાં હતાં. તે વખતે સોસાયટીના ગેટ બહાર બે અજાણ્યા શખ્સ રેવાબહેન સાથે ચાલતાં હતા. આ સમયે એક શખ્સે રેવાબહેનને કહ્યું હતું કે મારે નડિયાદ જવું છે અને નડિયાદ જવાનો રસ્તો બતાવો, જેથી રેવાબહેનને રસ્તો બતાવ્યો હતો.
બે શખ્સ પૈકી એક શખ્સે રેવાબહેનને કહ્યું કે મારી પાસે પૈસા નથી આમ કહીને લાગણીશીલ વાતો કરી હતી. જેથી રેવાબહેન તેમની વાતોમાં આવી ગયાં હતા. દરમિયાનમાં એક શખ્સે રૂમાલ કાઢીને કહ્યું કે હું પણ આને રૂપિયાની મદદ કરું છું તેમ તમે પણ તેને મદદ કરો. રેવાબહેનને આ શખ્સે કહ્યું હતું કે તમારી પાસે પૈસા ન હોય તો તમે પહેરેલા દાગીના કાઢીને આપો હું થોડી વારમાં તમારી તમામ વસ્તુઓ પરત આપી દઈશ.
જેથી રેવાબહેન વિશ્વાસમાં આવી જતાં તેમણે પહેરેલ દાગીના તે શખ્સને આપી દીધા હતા. થોડી વાર પછી બંને શખ્સ ત્યાંથી જતા રહ્યા હતા. રેવાબહેને બંને શખ્સની આજુબાજુ તપાસ કરી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. રેવાબહેન એકદમ ગભરાઈ ગયાં અને તેમને ફરિયાદ કરી ન હતી. પરંતુ ગઈ કાલે તેમણે તેમના દીકરાને આ અંગે જાણ કર્યા બાદ બે શખ્સ વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બે શખ્સની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે જાે તમે રસ્તામાં જઈ રહ્યા હો અને તમારી પાસે કોઈ કાર કે બાઈક ઊભી રાખે અથવા કોઈ વ્યક્તિ સરનામું પૂછે તો તેની સાથે વાત કરતાં પહેલાં ૧૦૦ વાર વિચારજાે, કારણ કે આ સરનામું પૂછવાના બહાને તમને વાતોમાં ભોળવીને કીમતી ચીજ સેરવી લેતી ગેંગ છે.