કોંગ્રેસના ઉમેદવાર સામે પત્રિકા બાબતે થઈ ફરિયાદ, મુદ્રક-પ્રકાશક સામે પોલીસે તપાસ શરૂ
પત્રિકામાં ચૂંટણીનો સમય ખોટો દર્શાવવા બદલ ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ -પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ દર્શાવ્યા નહતાં
(એજન્સી)અમદાવાદ, કોંગ્રેસ નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. દરિયાપુરના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પત્રિકામાં ચૂંટણીનો સમય ખોટો દર્શાવ્યો હોવાથી તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.
ગ્યાસુદિન શેખ વિરૂધ્ધ ઇ.પી. કો ૧૮૮ શ્લોક પ્રતિનિધિત્વ ૧૨૭ (અ) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ગ્યાસુદ્દીન શેખે ચૂંટણી પ્રચાર માટે તેમના વિસ્તારમાં વહેંચવામાં આવેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવ્યુ હોવાનું ફરિયાદમા જણાવાયું છે.
મદદનીશ ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. પત્રિકામાં મતદાન માટેનો સમય ૮થી ૬ નો દર્શાવ્યો છે. જે સંદર્ભે ગ્યાસુદ્દીન શેખે હકીકતલક્ષી જવાબ રજૂ કર્યો હતો. આ પત્રિકા કાર્યકરોને નિયમની જાણકારી વિના શરતચૂકથી છપાઈ હોવાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
આ મામલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે જ ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક-પ્રકાશક સામે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી ૫૦.૦૦ નોંધાઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ભાજપના ભરત બારોટને હરાવ્યા હતા.