ભરૂચ જિલ્લામાં દશામાની ભવ્ય વિસર્જન યાત્રાઓ જાહેર માર્ગો પરથી નીકળી
ઝાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ ઉપર નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરાઈ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં ભક્તો દ્વારા ૧૦ દિવસ દશામાંની સ્થાપના કરીને પુજા-અર્ચના અને આરાધના કર્યા બાદ ગુરુવારે વહેલી સવારે શ્રદ્વાપૂર્વક વિસર્જન કરાયુ હતું.ભક્તોએ શહેરમાં નર્મદા નદીમાં,ગામ તથા નગરોમાં સ્થાપના કરાયેલી નાની, મોટી પ્રતિમાઓને વાજતે- ગાજતે,શ્રદ્વાપૂર્વક તળાવ નહેરમાં વિસર્જીત કરી દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી.
ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દિવાસાના દિવસથી હજારો ભક્તોએ પોતાના ઘરે દશા માતાજીની પૂજા અર્ચના સાથે સ્થાપના કરી હતી અને દસ દિવસ સુધી માતાજીની ઉપાસનામા ભક્તો ભક્તિમય બન્યા હતા.
દસ દિવસ સુધી માતાજીની આરાધના બાદ અંતિમ દિવસે જાગરણ કરી ગુરૂવાર ની વહેલી સવારે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોએ દશા માતાજીની ભવ્ય વિસર્જન યાત્રા સાથે નર્મદા નદીના ઘાટ ઉપર પહોંચ્યા હતા.ઝાડેશ્વર ગામના નર્મદા નદીનો ઘાટ વિસર્જન માટે બંધ કરવામાં આવતા ભક્તોને હાલાકી ભોગવી પડી હતી
અને વિસર્જન યાત્રા સાથે દશા માતાજીને વિસર્જન માટે ભરૂચ ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર વિસર્જન કરવાની કવાયત કરવામાં આવી હતી.જાે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ દશા માતાજીનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું હતું
અને ભક્તોએ પણ દશા માતાજીને વિસર્જન યાત્રામાં ભવ્ય ડેકોરેશન સાથે ભરૂચ શહેરના માર્ગો પરથી પસાર થતા ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોલીસ વિભાગે માત્ર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્ત પૂરતી સેવા નહીં પરંતુ દશા માતાજી નું વિસર્જન કરવા આવતા ભક્તોની પાસેથી ફૂલહાર શ્રીફળ સહિતની સામગ્રી એકત્ર કરી નર્મદા નદીને સ્વચ્છ રાખવાનું કામ પણ પોલીસ વિભાગે કર્યું હતું.
અંકલેશ્વર શહેરમાં ભાવિક ભક્તો દ્વારા માં દશામાંની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું.દસ દિવસના વ્રતની પૂર્ણાહૂતિ સાથે દશામાંની પ્રતિમાઓને રંગેચંગે વિદાય અપાઈ હતી. અંકલેશ્વર નગરમાં ઘરે ઘરે શ્રધ્ધાળુઓએ રાત્રી જાગરણ કરીને ઉજવણી કરી હતી.જ્યારે ગુરુવારે વહેલી સવારે ટ્રેક્ટર,ટેમ્પા જેવા વાહનો સાથે નદી, તળાવ, નહેર ખાતે વાજતે ગાજતે દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ સમયે જય દશામાં નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પરિવાર સાથે આવેલા નાના-મોટા યુવાનોએ માતાજીની આરતી ઉતારીને પરિવાર ખુશ રહે એવી પ્રાર્થના કરી હતી.દસ દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશામાની વાજતે ગાજતે શ્રધ્ધાળુઓ પૂરા ભાવથી વિદાય કરી હતી.શહેરમાં વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને અંકલેશ્વર પાલિકાના ફાયર વિભાગના જવાનો ખડેપગે હાજર રહ્યા હતા.