દશેરાના દિવસે ગામડાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ફાફડા જલેબીની પાર્ટી…!
વડોદરાના પરિવારે ગામડાની સરકારી પ્રાથમિક શાળાના બાળકો સાથે ઉજવી વિજયા દશમી.. .
ફાફડા જલેબી નો તિથિ અલ્પાહાર પીરસ્યો અને શિક્ષણ ઉપયોગી સાધન સામગ્રીની ભેટ આપી…..
વડોદરા, દશેરાના તહેવાર સાથે ફાફડા જલેબી ની મિજબાની એક વણ લખી પરંપરા બની ગઈ છે.તેવા સમયે આજવા રોડના આરતીબેનના પરિવારે આજે વડોદરા નજીક ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણતા અને મોટેભાગે વંચિત ગરીબ પરિવારોના બાળકો સાથે ફાફડા જલેબી સાથે વિજયા દશ્મીની સંવેદનાભરી ઉજવણી કરી હતી.
આજે તહેવારની રજા હોવા છતાં પરિવારની આ સહૃદયતા ને અનુલક્ષીને આચાર્ય શ્રી નરેન્દ્રકુમાર ચૌહાણ અને શિક્ષક સાથીઓ તથા બાળકો શાળામાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આરતીબેને તેમના ભાઈ જીગ્નેશનો જન્મ દિવસ બાળકો સાથે ઉજવીને,દશેરા સાથે જોડાયેલા ફાફડા જલેબી બાળકોને પેટભરીને ખવડાવ્યા હતા.તેના લીધે બાળકો ખૂબ આનંદમાં આવી ગયા હતા. આજના કાર્યક્રમનો લાભ આંગણવાડીના ભૂલકાઓ સહિત ૫૫ જેટલા બાળકોએ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યની ખાસ કરીને પ્રાથમિક શાળાઓ કે જ્યાં મોટેભાગે અકિંચન પરિવારોના બાળકો ભણે છે, એ શાળાઓ સાથે સમાજની સહૃદયતા જોડવા,સંપન્ન પરિવારોને સંતાનોના જન્મ દિવસ,લગ્ન તિથિઓ,પૂર્વજોની પુણ્ય તિથીઓની ઉજવણી આવી શાળાઓમાં તિથિ ભોજન,તિથિ અલ્પાહાર પીરસીને બાળકો સાથે ઉજવવાની ભલામણ કરી હતી.
વાયદપુરા પ્રાથમિક શાળામાં સમાજના સહૃદયી પરિવારોના સહયોગ થી વર્ષે ૫૦ જેટલા તિથિ ભોજન યોજાય છે અને પ્રત્યેક તહેવારોની બાળકો સાથે શાળામાં ઉજવણી કરવામાં આવે છે.એટલે એવું કહેવાય કે નરેન્દ્રભાઇ ( મોદીજી) ના આહવાનને આચાર્ય નરેન્દ્રભાઇ ચૌહાણે પોતાની શાળામાં એક પરંપરા બનાવી છે અને તેમના સાલસ સ્વભાવ,સરળતા અને તેમણે ઊભી કરેલી વિશ્વસનીયતા ને લીધે આ પ્રયોગ અહીં સફળ થયો છે અને એક નિયમિત કાર્યક્રમ બની ગયો છે.
તેમણે આગામી દિવાળી પણ શાળામાં બાળકો સાથે ઉજવવાનું આયોજન કર્યું છે.છેલ્લા ૧૦ વર્ષથી અમે શાળામાં બાળકો સાથે દિવાળી ઉજવી રહ્યાં છે એમ તેમનું કહેવું છે. આ શાળામાં તિથિ ભોજન યોજવા દાતાઓ પોતાના સ્વજનની જન્મ તિથિ કે પુણ્ય તિથિ આગોતરી નોંધાવે એવું પણ બને છે.
પ્રધાનમંત્રીશ્રી એ સૂચવેલા પ્રયોગો કેટલી સાર્થક રીતે અમલમાં મૂકી શકાય અને સમાજને ગામડાની પ્રાથમિક શાળાઓ સાથે જોડી,શિક્ષણ ને કેટલું સરળ અને જીવંત બનાવી શકાય એનું દિશાસૂચન આ પ્રાથમિક શાળા અને તેના સંનિષ્ઠ શિક્ષકો કરી રહ્યાં છે.