શામળાજી દર્શન કરીને પરત ફરતા કપડવંજના દંતાલી ગામના ૫નાં મોત
અમદાવાદ, અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ હાઈવેના પુલ પરથી કાર ૩૫ ફૂટ નીચે પટકાતાં કારમાં બેઠેલા શામળાજીથી દર્શન કરીને પરત જતા કપડવંજ તાલુકાના દંતાલી ગામના ચાર જણાનું ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દંતાલી ગામના એક પરિવાર સહિત ચાર જણા ભાડાની કારમાં શામળાજી મંદિરે દર્શન કરવા આવ્યા હતા. કાર ચાલક પણ તેમના ગામના જ હતા. તેઓ શામળાજી મંદિરે દર્શન કરીને શુક્રવારે બપોરે ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતમાં નેશનલ હાઈવેના પુલ પરથી કાર લગભગ ૩૫ ફૂટ નીચે પટકાઈ હતી. કારચાલક સહિત તેમાં બેઠેલા પાંચ જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે પૈકી ચાર જણા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યાં હતાં. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં એક મહિલા, બે પુરુષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. ટિંટોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે શામળાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે ટિંટોઈ પોલીસે ગુનો દાખલ કરી વિસ્તૃત તપાસ સહિતની કામગીરી હાથ ધરી હતી. મોડાસા પાસે થયેલા આ અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓ કપડવંજ તાલુકાના દંતાલી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
શામળાજી દર્શન કરીને પરત ફરતાં મોડાસા પાસે કાર પુલ ઉપરથી નીચે ખાબકતાં બે માસૂમ બાળકો સહિત પાંચ લોકોનાં મોત નિપજ્યાં હતાં. ગામના અગ્રણી અને પૂર્વ મહિલા સરપંચના પતિ હરેન્દ્રભાઈ રાઠોડે શામળાજીથી પરત આવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું કહીં ગામના આગેવાનો બનાવ સ્થળે પહોંચ્યા હતા.SS1MS