“તું મને મળ તો તારું કામ છે” કહી યુવતિના પિતાને બોલાવી હત્યા કરીઃ આજીવન કેદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/husbandwife-fight.jpg)
યુવતીની છેડતી બાદ ઠપકો આપવા ગયેલા પિતાની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
વડોદરા, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રીનાથ પેટ્રોલપંપ પાસે રામદેવપીરની ચાલી ખાતે ર૦ર૧ના માર્ચ મહિનામાં યુવતીની છેડતી બાદ યુવતીના માતા-પિતાએ આરોપીને ઠપકો આપવાની અદાવત રાખી હુમલાખોર યુવાને યુવતીના પિતાની કરેલી હત્યા કેસમાં અદાલતે આરોપીને હુમલાખોરને કસૂરવાર ઠેરવી આજીવન સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
રામદેવપીરની ચાલીમાં રહેતી યુવતીની માતાને છાતીમાં દુઃખાવો થતો હોય ૧૭મી માર્ચ ર૦ર૧ના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે મહિલા સંબંધી ફરિયાદીના ઘરે ખબર કાઢવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ ફરિયાદી અને તેમની બહેન સંબંધીને રસ્તા સુધી મૂકવા માટે ગયા હતા.
તે સમયે હુમલાખોર આરોણી વરૂણ ઉર્ફે અરૂણ મહેન્દ્રભાઈ પટેલ (રહે.રામદેવપીરની ચાલી, હાથીખાના, કારેલીબાગ) એ ફરિયાદીને તું મને મળ તો તારું કામ છે તેમ કહેતા ફરિયાદીએ આ બાબતની જાણ માતા-પિતાને કરતાં ફરિયાદીના માતા-પિતા આરોપીના ઘરે આરોપીને પત્નીને બનાવ અંગે જણાવવા ગયા હતા
ત્યારબાદ આરોપી તેના હાથમાં ચાકુ લઈ ફરિયાદીના પિતાને ચાકુ વડે પેટના ભાગે ઘા મારી નાસી છૂટયો હતો. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
ફરિયાદ પક્ષ તરફે સ્પેશિયલ ધારાશાસ્ત્રી એપીપી ડી.જે.નાળિયેરવાળાએ દલીલો કરી હતી કે, આરોપીને માતા-પિતા ઠપકો આપવાની અદાવત રાખી હત્યા કરી છે. સમાજમાં જ દાખલા બેસે તેવી અને અન્ય ગુનેગારો આ પ્રકારના ગંભીર ગુના કરતાં અટકે તેવી મહત્તમ સજા થવી જોઈએ. મેડિકલ ઓફિસરે જણાવેલ ઈજા મરણ જનારનું મૃત્યુ નિપજાવવા માટે પૂરતી હતી.
દેવજીભાઈ સોલંંકીનું મૃત્યુ કુદરતી નહીં પરંતુ સાપરાધ મનુષ્ય વધ છે. બચાવ પક્ષે એવું પણ સૂચન કર્યું હતું કે આરોપી નશાની હાલતમાં હતો જેનો ફરિયાદીએ સ્વીકાર કરેલ છે. બચાવ પક્ષ બનાવ સ્થળે આરોપીની હાજરીનો ઈન્કાર કરતા નથી.
આ કેસમાં નજરે જોનાર, ફરિયાદી, સાક્ષી, તબીબ, પોલીસ સહિત ર૬ સાક્ષી અને પંચનામું, કપડા, હથિયાર, એફએસએલ સહિત ૩પ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. બન્ને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાને લેતા અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.