મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતાની પસંદગી માટે રાજકારણ ગરમાયું છે ત્યારે ચાંદખેડાના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી પર એસિડ એટેક કરીને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. વિરોધ પક્ષના નેતાની પસંદગીમાં રાજશ્રી કેસરીનું નામ પણ રેસમાં છે
ત્યારે તેમને છેલ્લા ૧પ દિવસથી ગર્ભિત ધમકીઓ મળતા અંતે પોલીસ ફરિયાદ કરાઈ છે. રાજશ્રી કેસરીનો હું ખાનદાની રહીશ છું તેમ કહીને ધમકી આપતો કથિત ઓડિયો વાઈરલ થયો છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા શ્યા બંગ્લોઝમાં રહેતા અને કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઈમ્તિયાઝ શેખ અને જમશેદ શેખ વિરૂદ્ધ ધમકી તેમજ એટ્રોસિટીની ફરિયાદ કરી છે.
રાજશ્રી કેસરી ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટરની ચૂંટણી જીત્યા છે અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ તરીકેની રેસમાં પણ છે. રાજશ્રી કેસરી સોશિયલ મીડિયામાં પણ ઘણા સક્રીય છે. જેના કારણે ગઈકાલે બપોરે બહેરામપુરાના કોર્પોરેટર કમળાબહેન ચાવડાનો તેમના પર ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે
રાજશ્રી બહેન તમારા નામથી સોશિયલ મીડિયામાં પોસ્ટ ચાલી રહી છે. જે પોસ્ટ ઈમ્તિયાઝ શેખ અને જમશેદ શેખે મૂકેલી છે. જે તમને બદનામ કરી રહ્યા છે. કમળાબહેન ચાવડાએ સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટના સ્ક્રીનશોટ પાડી લીધા હતા અને રાજશ્રી કેસરીને મોકલી આપ્યા હતા.