Western Times News

Gujarati News

સામાજિક કાર્યકરને ભૂમાફિયા બિલ્ડર દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી

વડોદરાના  મનપા કમિશ્નર દ્વારા વિજિલન્સ તપાસની માંગ

વડોદરા, વડોદરાના આરટીઆઈ એક્ટિવિસ્ટ સામાજિક કાર્યકરને ભૂમાફિયા બિલ્ડર દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપતા આરટીઆઈ કરનારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનને ટી.પી.ની ૪૦ ટકા કપાત જગ્યાના પ્લોટો મળેલ છે,

પરંતુ આ પ્લોટની કોઈ સુરક્ષા કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ નથી ત્યારે કેટલાક વિસ્તારોમાં બિલ્ડર અને સંબંધિત ખાતાના અધિકારીઓની સાંઠ-ગાંઠને લઈને કોર્પોરેશનના કિંમતી પ્લોટો જાણે પોતાની માલિકીના હોય તેમ પોતાના કબજે લઈને બાંધકામ કરી રહ્યા છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વિજિલન્સની તપાસની માંગ ઉઠી છે. આરટીઆઈ કરનારને ધમકી મળતાની સાથે આરટીઆઈ કરનારાઓમાં ચિંતાઓનું મોજુ ફરી વળ્યું હતું.

ગોત્રી હરિનગર શાંતાપાર્ક સોસાયટીમાં રહેતા ઝાલા રેવાભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બિલ્ડર સુનિલભાઈ અગ્રવાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનમાં મારુતિ ક્રોકિટ આર.એમ.સી. પ્લાન્ટનું ગેરકાયદે બાંધકામ કર્યું છે તેવી માહિતી મળી હતી

જેથી સરકાર તેમજ કોર્પોરેશન સાથે ખોટું થતું હોવાથી આરટીઆઈ એકટ હેઠળ માહિતી માંગી હતી. જેમાં આ પ્લોટ કોર્પોરેશનના નામનો હોવાનું જાણવા મળ્યું હતું. જગ્યાના સ્થળ પર જઈ તપાસ કરતા આ પ્લોટ સુનિલ અગ્રવાલના નામ પર છે એ માહિતી મળી હતી તેમજ હું તપાસ કરી રહ્યો છું

તેની જાણ સુનિલ અગ્રવાલને થતાં તેણે ગત તા.ર૮મીએ ફોન કર્યો હતો ત્યારે કોણ બોલો છો પૂછતા સામેથી કહેવામાં આવ્યું કે, દર્શનમ્‌ વાળા સુનીલ અગ્રવાલ બોલું છું અને તેઓ કહેવા લાગ્યા કે મારી પાસે આખી ટીમ છે તને ફીટ કરાવી દઈશ. આથી આરટીઆઈ સામાજિક કાર્યકરે ફરિયાદની સાથે તેને રેકોર્ડિંગ કરેલ પેન ડ્રાઈવ પોલીસને પુરાવારૂપે આપી હતી. આ ફરિયાદને આધારે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.