દેણુ વધી જતા લૂંટનું નાટક રચ્યું: ર૦ લાખની લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી
મેઘપરના રંગપર ગામે ર૦ લાખની લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
થેલામાં ર૦ લાખની રોકડ હતી જ નહીં, માત્ર ૧૦ લાખ હતા: જમીનમાં દાટી દીધેલ ૧૦ લાખ પોલીસે રિકવર કર્યા
જામનગર, લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતા બિયારણનો કમિશનથી ધંધો કરતા યુવાને ગત બુધવારે બપોરના સમયે બે અજાણ્યા શખસે આંખમાં મરચાની ભૂકી છાંટી ર૦ લાખની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાના બનાવમાં પોલીસને પ્રાથમિક તપાસમાં જ ફરિયાદી ઉપર શંકા જતા અને તપાસ કરતા ફરિયાદીએ આર્થિક સંકડામણને કારણે દેવું વધી જતા લૂંટનું નાટક રચ્યાની કબુલાત આપી હતી.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં આપેલ વિગત મુજબ લાલપુર તાલુકાના રગપર ગામમાં સુમરા વિસ્તારમાં રહેતા અને ખેત પેદાશોની વસ્તુઓ તથા બિયારણનો કમિશનથી ધંધો કરતો અવેશ દોસમામદ ખીરા નામનો યુવાન બુધવારે બપોરે પોતાના ગામ નજીક કાચા રસ્તા પરથી બાઈક પર જતો હતો
તે દરમિયાન બે અજાણ્યા શખસે યુવાનને આતરીને આંખમાં મરચાની ભુકી છાંટી તેની પાસે રહેલ ર૦ લાખની રોકડ ભરેલો થેલો લુંટી ગયાની જાણ કરાતા પીએસઆઈ તથા સ્ટાફ સ્થળ પર પહોંચી યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધો નાકાબંધી કરી હતી
પરંતુ પોલીસને પ્રાથમિક તપાસમાં ફરિયાદીના નિવેદનમાં શંકા જતા આ તપાસ ડીવાયએસપી ડી.પી.વાઘેલા, પ્રોબેશન ડીવાયએસપી એન.બી.ગોરડીયા, એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં ફરિયાદીના નિવેદનમાં જ પ્રાશ મળતો ન હોવાથી પોલીસે અવેશની પુછપરછ હાથ ધરતા પોલીસ પાસે ભાંગી પડ્યો હતો અને લૂંટનો બનાવ બન્યો જ ન હોવાની કેફિયત આપી હતી. જેમાં અવેશ આર્થિક સંકડામણના કારણે દેવું વધી જવાથી ઉઘરાણી કરનારા લોકોને રૂપિયા ન આપવા પડે તે માટે લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલ હતો
અને પોતાની જાતે જ થેલો બનાવવાળી જગ્યાએ ફેંકી દીધો હતો તથા પોતાની જાતે જ આંખમાં મરચાની ભુકી જાય નહી તે રીતે છાંટી હતી અને તેની પાસે થેલામાં ર૦ લાખ રૂપિયા હતા જ નહી થેલામાં ૧૦ લાખ હતા તે જમીનમાં ખાડો કરી સંતાડી દીધા હતા પોલીસે આકરી પુછપરછ કરતા આરોપીએ ૧૦ લાખ પંચની હાજરીમાં કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.