૨૬ જાન્યુઆરી લાલ કિલ્લા કાંડનો આરોપી દીપ ઝડપાયો
નવી દિલ્હી: ગત ૨૬ જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલી દરમિયાન દેશની આન બાન અને શાન એવા લાલ કિલ્લાના પરિસરમાં તોફાન મચાવનારા ઉપદ્રવીઓ પૈકી મુખ્ય આરોપી દીપ સિદ્ધુની ધરપકડ કરવામાં આવી છે. Deep Sidhu arrested for 26 January 2021 violence during farmer protest.
ઘટના બાદ સતત નાસતા ફરતા દીપ સિદ્ધુની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. તેના પર ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર જ્યાં રાષ્ટ્રિય ધ્વજ તિરંગો ફરકાવવામાં આવે છે
તેની બાજુમાં ખાલસા ધ્વજ ફરકાવવાનો આરોપ છે. મહત્વનું છે કે ગત નવેમ્બર મહિનાથી દિલ્હીની સરહદ પર ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેના ભાગ રુપે ગત ૨૬ જાન્યુઆરીમાં દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી.
આ માટે એક નિશ્ચિત રુટ અને સમય નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ ખેડૂતોએ સમય કરતા વહેલા દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા ખેડૂતો વિફર્યા હતા અને પછી દિલ્હીએ ખેડૂત આંદોલનનો એક ભયાનક ચહેરો જાેયો હતો. આ હિંસા માટે કેટલાક ખેડૂત નેતાઓને જવાબદાર ગણાવાયા હતા
જેમાં દીપ સિદ્ધુ મુખ્ય આરોપી ગણાવાયો હતો. દીપ સિદ્ધુ ઘટના બાદથી ફરાર હતો. દિલ્હી પોલીસે સિદ્ધુ પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ મૂક્યું હતું. ફરાર હોવા છતા સિદ્ધુ ફેસબુક દ્વારા સતત વીડિયો મેસેજીસ બહાર પાડતો હતો. દિલ્હી પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે તે તેના એક નજીકના મિત્ર દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતો હતો.
ગત સપ્તાહે પોલીસે દીપ સિધ્ધુ, જુગરાજ સિંહ, ગુરજાેત સિંહ અને ગુરજંત સિંહ વિશે માહિતી આપનારાઓને એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
તો આ ઉપરાંત જાજબીરસિંહ, બૂટા સિંઘ, સુખદેવ સિંહ અને ઇકબાલ સિંહ વિશે માહિતી આપનારાઓને પોલીસે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસે બે દિવસ પહેલા સુખદેવ સિંહની ચંડીગઢમાંથી ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ પ્રજાસત્તાક દિવસની હિંસામાં ધરપકડની કુલ સંખ્યા હવે ૧૨૭ પર પહોંચી ગઈ છે.
આ પહેલા દિલ્હીની હિંસા મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી જેની ઓળખ હરપ્રીત સિંહ (૩૨), હરજીત સિંહ (૪૮) અને ધર્મેન્દ્ર સિંહ (૫૫) તરીકે થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ રેકોર્ડિંગના આધારે પોલીસ હવે હિંસામાં સામેલ અન્ય આરોપીઓને શોધી રહી છે.