Western Times News

Gujarati News

લેડી સિંઘમ પર આખી ફિલ્મ દીપિકા ફરી શક્તિ શેટ્ટી બનશે

મુંબઈ, રોહિત શેટ્ટીની સિંઘમ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની શરૂઆત થઈ હતી. જોકે, એ વખતે તેનો કોપ યુનિવર્સ બનાવવાનો કોઈ પ્લાન પણ નહોતો.

ધીરે ધીરે ‘સિંઘમ રિટર્ન્સ’, ‘સૂર્યવંશી’ અને ‘સિમ્બા’ આવી અને રોહિત શેટ્ટીની આ ફ્રેન્ચાઇઝી એટલી લોકપ્રિય થઈ ગઈ કે ‘સિંઘમ અગેઇન’ બે જ અઠવાડિયામાં ૨૦૦ કરોડ ક્લબમાં પહોંચી ગઈ.આ પહેલાં આ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોની હિરોઇન પોલિસ ઇન્સ્પેક્ટર હિરોની ગર્લફ્રેન્ડના રોલમાં જ જોવા મળી હતી, પરંતુ ‘સિંઘમ અગેઇન’માં દીપિકાએ લેડી કોપ શક્તિ શેટ્ટી તરીકે એન્ટ્રી કરી છે.

હવે રોહિત શેટ્ટીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે,“શક્તિ શેટ્ટીની એન્ટ્રી માટે યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોવાતી હતી. ૨૦૧૮ સુધી તો હું પોતે કોપ યુનિવર્સ માટે દૃઢ નહોતો. સિમ્બા ચાલી ત્યારે અમને થયું કે અમે આવા બીજા પાત્રો પણ લાવી શકીએ છીએ અને એક યુનિવર્સ બનાવી શકીએ છીએ.

ત્યાર પછી અમે સૂર્યવંશી બનાવી અને એ વખતે અમને વિચાર આવ્યો કે એક માત્ર લેડી કોપની પણ ફિલ્મ બની શકે છે.”શક્તિ શેટ્ટી વહેલી આવી શકી હોવાની વાત પર રોહિત શેટ્ટીએ કહ્યું,“આપણે કોવિડમાં બે વર્ષ ગુમાવી દીધાં હતાં. સૂર્યવંશી માર્ચ ૨૦૧૯માં રિલીઝ થવાની હતી. અમે ખુશ હતા કારણ કે ટ્રેલરને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. તેથી અમને એમ હતું કે ફિલ્મ સારી ચાલશે.

પરંતુ અચાનક ફિલ્મ બે વર્ષ માટે ડબ્બામાં પુરાઈ ગઈ અને બધું જ તેના કારણે વિલંબમાં મુકાઈ ગયું. આ લાઇન અપ મુજબ ૨૦૨૦માં સિંઘમ અગેઇન રિલીઝ કરવાની હતી અને તેના પછી શક્તિ શેટ્ટી આવવાની હતી.”

રસપ્રદ વાત એ છે કે દીપિકા પાદુકોણની એન્ટ્રી થાય તે પહેલાં રોહિત શેટ્ટીએ ઇન્ડિયન પોલિસ ફોર્સમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રાને તારા શેટ્ટી તરીકે દર્શાવી. તેથી એવી ચર્ચાઓ અને ધારણાઓ હતી કે શિલ્પા અને દીપિકા એક સાથે ધમાલ મચાવશે. પરંતુ આ અંગે રોહિત શેટ્ટીએ કહ્યું,“આ બે અલગ દુનિયા છે. ઇન્ડિયન પોલિસ ફોર્સ એક અલગ જ દુનિયા છે. એ એમેઝોનની દુનિયા છે.

જ્યારે આ કોપ યુનિવર્સ અમારું છે. તો ટેન્કિકલી આ બે પાત્રો ભેગા થઈ શકે તેમ નથી.”શક્તિ શેટ્ટીની ફિલ્મની તૈયારીઓ વિશે રોહિતે કહ્યું,“અમારે એ ફિલ્મ હજુ લખવાની છે. અમારા મનમાં એક વિચાર છે, પરંતુ એની સાથે આગળ વધી શકાય કે નહીં તે હજુ નક્કી નથી.

હજુ તેના માટે સમય છે. એ પાત્ર કેવું હશે અને તેની સ્ટોરી શું છે એ મને ખ્યાલ છે, પરંતુ એક લેખક અને ડિરેક્ટર તરીકે આ પાત્રની સફર કેવી હશે એ ખ્યાલ નથી. આ ફિલ્મ બનશે એ નક્કી છે, બાકી અમે આ પાત્ર જ લાવ્યા ન હોત. તેથી અમે સિંઘમ અગેઇનમાં શક્તિના પાત્ર અને તેના નામને મહત્વ આપ્યું છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.