Western Times News

Gujarati News

ડેમ બનાવવાની યોજનાનો બચાવ કર્યો ચીનેઃ તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ

બેઇજિંગ, ચીને શુક્રવારે તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા ડેમ પ્રોજેક્ટની યોજનાનો બચાવ કરતા કહ્યું હતું કે, આ સુરક્ષિત છે. ચીનનો દાવો છે કે નદીના નીચલા પ્રદેશો પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. આ પ્રોજેક્ટને કેટલાક દાયકાઓના સંશોધન બાદ મંજૂરી આપવામાં આવી છે.

ચીને આ પ્રોજેક્ટને સ્વચ્છ ઉર્જા વિકસાવવા અને ક્લાઈમેટ ચેન્જને રોકવાના પ્રયાસ તરીકે રજૂ કર્યાે છે. આ પ્રોજેક્ટ પાછળ ચીની ચલણમાં એક ટ્રિલિયન યુઆન (૧૩૭ બિલિયન ડોલર)નો ખર્ચ થશે.નોંધનીય છે કે, ચીને બુધવારે તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જે ભૂકંપ-સંભવિત હિમાલય વિસ્તારમાં સ્થિત છે.

જો કે, આ પ્રોજેક્ટ પર ઘણા દેશોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, ‘ચીને હંમેશા સરહદ પાર નદીઓના વિકાસની જવાબદારી લીધી છે.

તેમણે કહ્યું કે, તિબેટમાં હાઈડ્રોપાવર ડેવલપમેન્ટને દાયકાઓના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ મંજૂરી આપવામાં આવી છે. આ માટે તમામ સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટથી નીચલા પ્રદેશો પર કોઈ અસર નહીં થાય.’માઓએ વધુમાં કહ્યું હતું કે, ચીન સરહદી દેશો સાથે વાતચીત ચાલુ રાખવા માટે તૈયાર છે.

તેમણે આશ્વાસન પણ આપ્યું કે, ચીન ભૂકંપ અને આપત્તિ વ્યવસ્થાપનમાં નીચલા નદી કિનારે સ્થિત દેશો સાથે સહયોગને પ્રોત્સાહન આપશે, જેથી નદી કિનારે રહેતા લોકોને લાભ મળી શકે.

ચીનના આ પ્રોજેક્ટથી ભારત અને બાંગ્લાદેશ સાથેના સરહદી વિવાદો વધવાની આશંકા છે, કારણ કે, આ ડેમ તિબેટમાં બ્રહ્મપુત્રા નદીના (આ નદીને તિબેટમાં યાર્લુંગ ઝંગબો નદી કહેવામાં આવે છે) નીચેના ભાગમાં બનાવવામાં આવશે. વિશ્વનો આ સૌથી મોટો ડેમ તે ભાગમાં બનાવવામાં આવશે જ્યાં બ્રહ્મપુત્રા નદી યુ-ટર્ન સાથે અરુણાચલ પ્રદેશમાં વહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.