Western Times News

Gujarati News

ગુજરાત યુનિવર્સિટીના ૭૧ મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ-રાજ્યપાલના હસ્તે ૫૧,૨૭૯ વિદ્યાર્થીઓને પદવી એનાયત

દેશ માટે સમર્પણભાવ કેળવી જવાબદાર નાગરિક બનવા યુવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ

(માહિતી) અમદાવાદ, શિક્ષણના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનાંકોમાં સૌથી શ્રેષ્ઠ અને નંબર વન એવી ગુજરાત યુનિવર્સિટીના ૭૧ મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૫૧,૨૭૯ વિદ્યાર્થીઓને ડિગ્રી ડિપ્લોમાની પદવી એનાયત કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, અહીં અક્ષરજ્ઞાનની શિક્ષા પૂરી થાય છે, હવે કર્મક્ષેત્રે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની શરૂઆત થાય છે. ગુરુજનો-શિક્ષકોએ જે જ્ઞાન આપ્યું છે તેના ઉપયોગથી માનવતાના ઉચ્ચ ગુણો અપનાવી આદર્શ જીવન જીવો અને મહાન ઇન્સાન બનો એ જ તમારી દીક્ષા છે. ઉચ્ચ અને તબીબી શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

યોગ્ય સમયે ગુજરાતે આ રાષ્ટ્રને યોગ્ય વ્યક્તિઓ આપી છે; એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વિશ્વભરમાં ભારતને ગૌરવ અને સન્માન અપાવનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની આ દેશને સૌથી મોટી ભેટ છે. આર્થિક ક્ષેત્રે ‘સોને કી ચીડિયા’, આધ્યાત્મિક ક્ષેત્રે ‘પથ પ્રદર્શક’ અને વિદ્યા ક્ષેત્રે ‘વિશ્વ ગુરુ’ એવું આ ભારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઉન્નતિ કરી રહ્યું છે ત્યારે દેશના-ગુજરાતના યુવાનોની જવાબદારી છે કે તેઓ પોતાની મહેનત અને કાર્યકુશળતાથી રાષ્ટ્રના ઉત્કર્ષમાં સહયોગ આપે. જે દેશે જીવન આપ્યું છે એ દેશ માટે બલિદાન આપવાની તત્પરતા અને સમર્પણભાવ કેળવીને જવાબદાર નાગરિક બનવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો.

કુલાધિપતિ-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તૈત્તિરીય ઉપનિષદનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ જીવનભર સત્યનું આચરણ કરવું જાેઈએ. ‘ખોટા સિક્કા’ થોડો સમય ચાલી જતા હશે, પણ જીવનનો અંતિમ સિદ્ધાંત સત્ય જ છે. ગુજરાત યુનિવર્સિટીના છાત્રો સત્યના માર્ગે ચાલીને આ યુનિવર્સિટી અને ગુરુજનોનું ગૌરવ અને સન્માન વધારશે. ‘ધર્મ એટલે જેને ધારણ કરવાથી વ્યક્તિ સુખી થાય અને તે વ્યક્તિના સંપર્કમાં આવતા સૌ સુખી થાય’; એવી વ્યાખ્યા કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને આવા ધર્મનું આચરણ કરવાની શીખ આપી હતી. જાે આમ થશે તો આ વિશ્વમાં આતંકવાદ અને ખૂનામરકીને કોઈ અવકાશ જ નહીં રહે. પ્રત્યેક મનુષ્ય એકમેકનો સહારો બનશે.

ગુજરાત યુનિવર્સિટીના સ્લોગન-‘યોગઃ કર્મશુ કૌશલમ’ની વ્યાખ્યા કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, જીવનમાં મળેલા કર્મને અત્યંત કુશળતા, નીપુણતા, નિષ્ઠા અને પૂરા સમર્પણ ભાવથી કરો. જાે કોઈ વ્યક્તિ આ પ્રકારે કામ કરે તો પછી પરિણામ આપવાની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે. કામ કરનાર વ્યક્તિ નિશ્ચિંત થઈ જાય છે. વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જાેઈએ; એમ કહીને તેમણે કહ્યું કે, જાે ખેડૂત ખેતર છોડી દે અને વિદ્યાર્થી પુસ્તક છોડી દે તો વિદ્યા લુપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ જીવનભર શીખતો રહે તે સમાજ અને રાષ્ટ્ર માટે ‘મૂડી’ બની જાય છે.

આ પદવીદાન પ્રસંગે ઉચ્ચ અને તબીબી શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાશ્રમ પછી સામાજિક જીવનમાં પદાર્પણ વખતે વિદ્યાર્થીકાળમાં મેળવેલું જ્ઞાન અને વ્યવહાર કુશળતા સામાજિક જીવનમાં, અર્થઉપાર્જનમાં, ઘરસંસાર તથા જીવન નિર્વાહમાં મદદરૂપ બને છે. તેમણે દેશ અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વિશે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, દેશના પ્રાચીન શૈક્ષણિક વારસાનું આક્રાંતાઓના રાજમાં પતન થયું હતું પરંતુ આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં આપણે નવા યુગમાં આપણો શૈક્ષણિક વારસો પુનઃસ્થાપિત કરી રહ્યા છીએ. આજે ભારત દેશ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક મૂલ્યોને પ્રસ્થાપિત કરી રહ્યો છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ખૂબ મહેનત સાથે ધ્યેયને સાકાર કરવા માટે ઉચ્ચ મૂલ્યો આધારિત શિક્ષણ મેળવ્યા બાદ પદવી મેળવવાનો અવસર ખરેખર આનંદદાયક હોય છે. પદવી મેળવીને બહાર નીકળતા યુવાઓ ઉચ્ચ કાર્યક્ષમતાથી સુસજ્જ, સતત આગળ વધવાની ઇચ્છાશક્તિ અને તેજસ્વીતા ધરાવતા યુવાઓ હોય છે. આજે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના સંશોધનો, કાર્યપદ્ધતિ કે વિષયો પર આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓ પીએચડી કરે કે લેખો લખે એવી આશા તેમણે વધુમાં પ્રગટ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હંમેશા સૂર્યાસ્ત બાદ સૂર્યોદય થાય જ છે.

આથી યુવાને ક્યારેય મુશ્કેલીઓથી ડરવું જાેઈએ નહિ. યુવાને સ્થિતપ્રજ્ઞતા કેળવવી જાેઈએ. આજના યુવાનો ત્યાગીને ભોગવવાની સંસ્કૃતિ અપનાવીને રાષ્ટ્રનિર્માણ સાથે પરિવાર અને ધર્મની રક્ષા કાજે સહભાગી બનવું જાેઈએ. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. હિમાંશુ પંડ્યાએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, પદવી ધારણ કરવી એ વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ અગત્યની અને યાદગાર ઘટના હોય છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો છે. બે વર્ષ પહેલાં જયારે રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિના અમલીકરણની શરૂઆત કરેલી ત્યારે ગુજરાત યુનિવર્સિટી એકમાત્ર એવી યુનિવર્સિટી છે જેણે ૧૪ અભ્યાસક્રમો નવી શિક્ષણનીતિ પ્રમાણે આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.