દહેગામ અને કલોલ તાલુકામાં લોહીની ઉણપ ધરાવતી સગર્ભાની સંખ્યા વધુ
ઓછું હિમોગ્લોબીન ધરાવતી ગાંધીનગરની ૧રર સગર્ભાને ઈન્જેકશન અપાયા
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માતા અને બાળ મરણ અટકાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે માટે યોજાયેલા ખાસ માર્ગદર્શન કાર્યક્રમમાં ૬૯૭ જાેખમી સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. તેમાં સાત ટકાથી ઓછું હિમોગ્લોબીન ધરાવતી ૧રર સગર્ભા બહેનો મળી આવી હતી. તે તમામને લોહીનું પ્રમાણ વધારવા માટે સ્થળ ઉપર ઈન્જેકશન આપવામાં આવ્યા હતા.
ઓછું હિમોગ્લોબીન ધરાવતી સૌથી વધુ સગર્ભા દહેગામ અને કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાેવા મળી હતી. જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદરને એક આંકડામાં લઈ જવા માટે આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે.
જાેખમી સગર્ભાની વહેલી તકે સારવાર, નિદાન અને કાઉન્સિલિંગ થઈ શકે તે માટે ડીડીઓ સુરભિ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.જે. વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચારેય તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) ખાતે જાેખમી સગર્ભા સાથે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ૬૯૭ જાેખમી સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી એસ.બી.સી.સી.ટીમ ડો. નેહલ ગજેરા, કેયુર જયસ્વાલ, જિલ્લા પી.એચ.સી રિચા પટેલ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય સુપરવાઈઝરે હાજરી આપી હતી.
ખાસ જાગૃતિ કાર્યક્રમમાં જાેખમી સગર્ભા, ઓછું વજન, ઓછું હિમોગ્લોબીન, હાઈપર ટેન્શન, વ્યસન કરતી મહિલા, મલ્ટીપારા તેમજ સારવાર માટે તૈયાર ના હોય તેવી સગર્ભા માતાને બોલાવીને તેમની સાથે પોષણ યુકત આહાર તેમજ સગર્ભા અવસ્થા દરમિયાન રાખવાની થતી સાવચેતી માટે યોગ, પ્રાણાયામ વિશેની સમજણ આપવામાં આવી હતી તેમજ ૭ ગ્રામથી ઓછું હિમોગ્લોબીન ધરાવતી ૧રર સગર્ભાને કેન્દ્ર પર આર્યનક્રોઝ, એફ.સી.એમ. ઈન્જેકશન આપવામાં આવ્યા હતા.