એર ઈન્ડિયાની દિલ્હી-મુંબઈ ફ્લાઈટે ૧૭ કલાક રાહ જોવડાવી
મુંબઈ, ભારતમાં એર ટ્રાવેલર્સની સંખ્યા સતત વધતી જાય છે પરંતુ રેલવે પ્રવાસી કરતા ઘણો વધારે ખર્ચ કરવા છતાં એર ટ્રાવેલર્સની હાલત કફોડી છે. વિમાનો કલાકો સુધી લેટ પડે અને પેસેન્જરોને વિમાનમાં ચાર-પાંચ કલાક સુધી એસી બંધ રાખીને ગોંધી રાખવામાં આવે તેવી ઘટનાઓ બની રહી છે. તેના કારણે પેસેન્જર્સ અને એરલાઈનના સ્ટાફ વચ્ચે અથડામણની ઘટનાઓ પણ બની છે. ગઈકાલે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ માટે પેસેન્જરોએ લગભગ ૧૭ કલાક રાહ જોવી પડી હતી.
એર ઈન્ડિયાના પેસેન્જરોને આ કડવો અનુભવ થયો છે જેમાં છ કલાક સુધી તો પ્રવાસીઓએ વિમાનમાં બેસી રહેવું પડ્યું હતું. એર ઈન્ડિયાના પેસેન્જરોએ જુદા જુદા કારણોથી કલાકો સુધી એરક્રાફ્ટમાં જ રહેવું પડ્યું હતું જેના કારણે લોકોમાં ભારે ગુસ્સો ફેલાયો હતો. ગઈકાલે દિલ્હીમાં હવાઈ ઉડ્ડયન માટે બહુ ખરાબ દિવસ હતો અને લો વિઝિબિલિટીના કારણે સેંકડો ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી.
એક પ્રવાસીએ જણાવ્યું કે લોકોમાં ધીરજ ખૂટી ગઈ હતી. ખાસ કરીને બાળકો વિમાનમાં કંટાળી ગયા હતા. કોઈને વિમાનમાં ફૂડ પણ મળ્યું ન હતું. આ ઉપરાંત વિમાનનું એર કંડિશનિંગ પણ કામ કરતું ન હતું. તેમણે કહ્યું કે સવારે ૯ વાગ્યે વિમાન ટેક-ઓફ કરવાનું હતું. પરંતુ ધૂમ્મસના કારણે મોડું થશે તે સ્વભાવિક લાગતું હતું.
પરંતુ એરલાઈને વારંવાર વિરોધાભાસી માહિતી આપી. બપોરે બે વાગ્યા પછી વિમાન ઉડાન માટે તૈયાર હતું ત્યારે તેમણે જણાવ્યું કે હવે વિમાન માટે પાઈલટ અને ક્રુ મેમ્બર નથી કારણ કે તેમને બીજી ફ્લાઈટમાં મોકલી દેવામાં આવ્યા છે. વિમાનમાં સંપૂર્ણપણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. સાંજે ૫.૩૦ વાગ્યે ક્રુ મેમ્બર આવ્યા ત્યાર પછી અમે ૮ વાગ્યે ફરીથી વિમાનમાં સવાર થયા. એરલાઈન પાસે કોઈ પાઈલટ જ ન હતો. મને નથી લાગતું કે આ માટે ગ્રાઉન્ડ સ્ટાફ અથવા ક્રુને દોષ આપી શકાય.
મેનેજમેન્ટ જ આ માટે જવાબદાર હતું. વિમાનમાં વ્યવસ્થિત ખાવાનું પણ ન મળ્યું. માત્ર અમુક ચિપ્સના પેકેટ હતા અને તેના સહારે અમારે પ્લેનમાં ૧૭ કલાક કાઢવા પડ્યા હતા. ઘણા પ્રવાસીઓની ફરિયાદ છે કે એરલાઈન્સ વચ્ચે હાલમાં કોમ્પિટિશન ચાલે છે. છતાં પ્રવાસીઓને કોઈ ફાયદો થાય તેમ લાગતું નથી.
ખાસ કરીને વિમાન ડિલે થાય અથવા બીજા કોઈ કારણથી મોડું કરવામાં આવે ત્યારે દરેક એરલાઈનમાં એર ટ્રાવેલર્સની હાલત એક સરખી હોય છે. આજે ઈન્ડિગો એરલાઈનમાં પણ એક પેસેન્જર દ્વારા વિમાનના પાઈલટ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટના બની હતી.
ફોગ એલર્ટના કારણે દિલ્હી ગોવાની ફ્લાઈટ ૧૩ કલાક લેટ પડી હતી જેના કારણે વિમાનમાં પ્રવાસીઓની ધીરજ ખૂટી હતી અને એક પેસેન્જરે પાઈલટને લાફો મારી દીધો હતો. ત્યાર પછી આ પેસેન્જરને વિમાનમાંથી નીચે ઉતારી દેવાયો હતો અને તેની સામે પોલીસ ફરિયાદ ફાઈલ થઈ હતી.SS1MS