અમિત શાહનો ફેક વીડિયો શેર કરનારાઓને દિલ્હી પોલીસ નોટિસ મોકલશે
નવી દિલ્હી, દિલ્હી પોલીસે સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રેવન્ત રેડ્ડીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી વીડિયોના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું. દિલ્હી પોલીસે રેવન્ત રેડ્ડીને તેના દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે ૧ મેના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે.
હવે દિલ્હી પોલીસ એ તમામ લોકોને નોટિસ મોકલશે જેમણે એડિટેડ વીડિયો પોતપોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. દિલ્હી પોલીસે એક ટીમ બનાવી છે જે તે તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સની ઓળખ કરી રહી છે.અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ફેસબુકએ દિલ્હી પોલીસને જવાબ આપ્યો નથી. દિલ્હી પોલીસ સાયબર સેલની ટીમ તેના સ્તરે તપાસ કરી રહી છે.
સૂત્રોનો દાવો છે કે ટૂંક સમયમાં જ તે વ્યક્તિની ઓળખ કરવામાં આવશે જેણે વીડિયો જનરેટ કર્યો હતો અને સૌપ્રથમ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.સૂત્રોએ જણાવ્યું કે નકલી વીડિયો શેર કરનારા કોંગ્રેસના કેટલાક નેતાઓ સહિત પાંચ અન્ય લોકોને પણ દિલ્હી પોલીસ બોલાવશે.
આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલય અને ભાજપની ફરિયાદ બાદ એક દિવસ પહેલા જ આ મામલે કેસ નોંધ્યો હતો.સ્પેશિયલ સેલે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની વિવિધ કલમો અને આઈટી એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધી છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોર્ફ કરેલા વીડિયો સોશિયલ મીડિયા પર ‘સમુદાયો વચ્ચે વિસંગતતા પેદા કરવાના ઈરાદાથી શેર કરવામાં આવી રહ્યા છે, જે શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે તેવી શક્યતા છે.’આસામ પોલીસે આ કેસમાં રિતોમ સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ માહિતી આપી છે.
મળતી માહિતી મુજબ પોલીસે રિતોમ સિંહની ગુવાહાટીથી ધરપકડ કરી છે. આસામ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને વાયરલ કરવાના સંબંધમાં ગુવાહાટીના પાન બજાર પોલીસ સ્ટેશનમાં ૨૮ એપ્રિલે એફઆઈઆર નોંધવામાં આવી હતી.SS1MS