Western Times News

Gujarati News

દિલ્હીમાં ધુમ્મસના કારણે ૨૯ ટ્રેનો મોડી: રાજસ્થાન-દિલ્હી સહિત ૬ રાજ્યોમાં વરસાદ

પ્રતિકાત્મક

ઉત્તરપ્રદેશમાં ઠંડીના કારણે ૩ દિવસ સુધી સ્કૂલો બંધ; 

(એજન્સી)નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં ગુરુવાર સવારથી ૪ જિલ્લા અનંતનાગ, પૂંછ, ભદરવાહ અને ડોડામાં હિમવર્ષા પડી છે. પહેલગામ, શ્રીનગર, કાઝીકુંડ, કોકરનાગ અને ગુલમર્ગમાં માઈનસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, હિમાચલ, દિલ્હી અને ઉત્તરાખંડ ઉપરાંત રાજસ્થાનના જયપુર, ભરતપુર અને કોટા સહિત ૬ જિલ્લાઓમાં ગુરુવાર (૧૬ જાન્યુઆરી) માટે વરસાદનું એલર્ટ આપ્યું છે.

ઉત્તરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ઠંડીના કારણે ૮ લોકોના મોત થયા છે. ઠંડીના કારણે ૮મી સુધીની શાળાઓ ૧૮મી જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવી છે.
દિલ્હીમાં ગુરુવાર રાતથી સતત વરસાદને કારણે સવારનું તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું હતું. જોકે ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ૨૯ ટ્રેનો મોડી દોડી રહી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં ૧ થી ૧૧ જાન્યુઆરીની વચ્ચે સામાન્ય કરતાં ૯૧% ઓછો વરસાદ થયો છે, કારણ કે રાજ્યમાં ૨૦.૬ MMની સામે માત્ર ૨ MM વરસાદ પડ્‌યો છે. આ સિવાય ૨૦૨૪માં જમ્મુ-કાશ્મીર છેલ્લા પાંચ દાયકામાં સૌથી સૂકું રહેશે. ગયા વર્ષે ૮૭૦.૯ મીમી વરસાદ પડ્‌યો હતો જે સામાન્ય કરતા ૨૯% ઓછો છે.

જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ ૨૦૨૩માં ૧૧૪૬.૬ મીમી (સામાન્ય કરતા ૭% ઓછો) વરસાદ, ૨૦૨૨માં ૧૦૪૦.૪ મીમી (સામાન્ય કરતા ૧૬% ઓછો), ૨૦૨૧માં ૮૯૨.૫ મીમી (સામાન્ય કરતા ૨૮% ઓછો), ૨૦૨૦માં ૯૮૨.૨ મીમી (સામાન્ય કરતા ૨૦% ઓછો) વરસાદ પડ્‌યો.

હવામાન વિભાગે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભ દરમિયાન હવામાનની અપડેટ માટે વેબપેજ લોન્ચ કર્યું છે. તે પ્રયાગરાજ, અયોધ્યા, લખનૌ, આગ્રા, કાનપુર અને વારાણસી સહિતના શહેરો માટે કલાકે, ત્રણ-કલાક અને સાપ્તાહિક આગાહી જણાવશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાને કારણે પર્વતોમાં હિમવર્ષા થઈ શકે છે. પર્વતોમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ રહેશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની શક્યતા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.