Western Times News

Gujarati News

BJPની સરકાર બની તો મફત વીજ-પાણી જેવી કોઈ વર્તમાન સ્કીમ બંધ થશે નહીંઃ મોદી

File

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ વડાપ્રધાન મોદીએ રૂ. ૧૨ હજાર કરોડથી વધુ ભેટ દિલ્હીવાસીઓને આપી છે.-દિલ્હીમાં ભાજપની સરકાર આવશે તો કોઈ સ્કીમ બંધ નહીં થાય-વડાપ્રધાન મોદીના આપ પર આકરા પ્રહાર

નવી દિલ્હી, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ વડાપ્રધાન મોદીએ રૂ. ૧૨ હજાર કરોડથી વધુ ભેટ દિલ્હીવાસીઓને આપી છે. ‘નમો ભારત’ નેટવર્કનું વિસ્તરણ અને નવી મેટ્રો લાઈનના ઉદ્યાટન સાથે ભારતને સૌથી મોટા મેટ્રો રેલ નેટવર્ક ધરાવતા દેશોની યાદીમાં ત્રીજું સ્થાન પણ અપાવ્યું છે.

આ ઉદ્યાટન બાદ વડાપ્રધાન મોદી રોહિણીના જાપાની પાર્કમાં ભાજપની પરિવર્તન રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં એકબાજુ આપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે દિલ્હીને ઝોળી ભરીને પૈસા આપ્યા છે, પરંતુ દિલ્હીના સત્તાધીશો શીશમહેલ બનાવવામાં વ્યસ્ત હતાં. બીજી બાજુ અનેક વર્તમાન સરકારની ઉપલબ્ધ સ્કીમ્સને બંધ નહીં કરવાનું વચન પણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલના પક્ષ તરફથી થઈ રહેલા પ્રચારોને ખોટા ઠેરવતાં કહ્યું છે કે, ભાજપની સરકાર બની તો મફત વીજ-પાણી જેવી કોઈ વર્તમાન સ્કીમ બંધ થશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિણી રેલીમાં વિગતવાર સમજાવ્યું કે ‘ભાજપ કઈ રીતે દિલ્હીનો વિકાસ કરવા માંગે છે. પીએમએ ફરી એકવાર દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે કે, ઉનાળામાં પાણી માટે લડાઈ, વરસાદની ઋતુમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અને શિયાળામાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક સમસ્યાઓથી દિલ્હીવાસીઓ પીડિત છે.

આ લોકોએ દરેક સીઝનને દિલ્હી માટે આફત બનાવી છે. દિલ્હીની જનતાની ઉર્જા આખું વર્ષ આપત્તિનો સામનો કરવામાં ખર્ચાઈ રહી છે. તેથી દિલ્હીમાં આપત્તિનો અંત આવશે તો જ સુશાસનનું ડબલ એન્જિન આવશે.’

પીએમ મોદીએ ફરી એકવાર અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના કથિત શીશમહેલનો ઉલ્લેખ કરીને તેમના પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું, ‘દિલ્હીમાં આપત્તિ લાવનારા લોકો ખોટો આરોપ લગાવે છે કે કેન્દ્ર સરકાર કામ કરવા દેતી નથી. કેન્દ્ર સરકાર તેમને પૈસા આપતી નથી. તેઓ કેટલા મોટા જૂઠા છે તેનું ઉદાહરણ શીશમહેલ છે.
આજે જ એક મોટા અખબારે કેગના રિપોર્ટના આધારે શીશ મહેલ પર થયેલા ખર્ચનો ખુલાસો કર્યો છે. આ જાણીને તમને દુઃખ થશે, સમગ્ર દેશના લોકો ચોંકી જશે,

જ્યારે દિલ્હીના લોકો કોરોના સામે લડી રહ્યા હતા, જ્યારે દિલ્હીના લોકો ઓક્સિજન અને દવાઓ માટે ભટકતા હતા, ત્યારે આ લોકોનું ધ્યાન તેમનું શીશમહેલ ઉભું કરવા પર હતું. આજે અખબારે ખુલાસો કર્યો છે કે, આ શીશ મહેલ માટે ત્રણ ગણાથી વધુ બજેટ ખર્ચવામાં આવ્યું છે. આ તેમનું સત્ય છે.’

અરવિંદ કેજરીવાલ લગભગ દરેક સભામાં કહે છે કે જો ભાજપ જીતશે તો મફતની તમામ યોજનાઓ બંધ કરી દેશે. આ મુદ્દે પીએમ મોદીએ સ્પષ્ટતા આપી કે ‘દરેકના ડરને દૂર કરતાં હું ખાતરી આપુ છું કે આ યોજનાઓ બંધ કરવામાં આવશે નહીં. દિલ્હી ચૂંટણીમાં પોતાની હારને જોતાં તેઓ જૂઠાણું ફેલાવી રહ્યા છે, દિલ્હીના લોકોને ડરાવી રહ્યા છે કે જો ભાજપ આવશે તો આ મફતની યોજનાઓ બંધ થઈ જશે.

પરંતુ હું દિલ્હીની જનતાને આશ્વાસન આપવા આવ્યો છું કે ભાજપ સરકારમાં જનહિતની કોઈપણ યોજના બંધ કરવામાં આવશે નહીં, પરંતુ તેમાં જે લોકોના અપ્રમાણિક કોન્ટ્રાક્ટ હશે તેમને બહાર કરી દેવામાં આવશે. છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્ય સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ ચાલી રહી છે, આ યોજનાઓમાં ઘણા લોકોએ પ્રજાના પૈસાની લૂંટ ચલાવી છે, તેને ભાજપ સરકાર પૂરી ઈમાનદારી સાથે આગળ લઈ જશે, લૂંટેરાઓને દૂર કરશે. વધુમાં કેન્દ્ર સરકારની યોજનાઓ પણ લાગુ કરી ભાજપ દ્વારા બેવડી યોજનાઓનો લાભ આપીશું.’

મહિલા મતદારોને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ‘ભાજપ દિલ્હીમાં પણ લાડલી બહેન જેવી યોજનાનું વચન આપી શકે છે. ભાજપની નીતિઓમાં મહિલાઓ માટે કરોડો શૌચાલય બનાવવા, દિલ્હીની મહિલાઓના નામે ઉજ્જવલા ગેસ કનેક્શન, સુકન્યા સમૃદ્ધિ યોજના, સગર્ભા મહિલાઓના ખાતામાં સહાય સહિત અનેક યોજનાઓ લાગુ કરવામાં આવશે. ભાજપ સરકાર દિલ્હીના ૭૫ લાખ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન આપશે. દિલ્હીમાં ભાજપ સરકાર માતાઓ અને બહેનો સરળતાથી પોતાનું ઘર ચલાવી શકે તેની ખાતરી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.