દિલ્હી વળતો પ્રહાર કરીને મોખરાના બે ક્રમે રહેવા પ્રયાસ કરશેઃ નિગમ

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૦૨૫ની સિઝનમાં ઘરઆંગણે ત્રણ પરાજય સહન કરનારી દિલ્હી કેપિટલ્સ હાલમાં ચોથા ક્રમે છે પરંતુ આ લીગમાં જે રીતે અનિશ્ચિતતા જોવા મળતી હોય છે તેને ધ્યાનમાં રાખતા દિલ્હી હાલના તબક્કે તેની કોઈ મેચને હળવાશથી લઈ શકે તેમ નથી.
દિલ્હ કેપિટલ્સનો સ્પિન ઓલરાઉન્ડર વિપરાજ નિગમ પણ આ બાબતથી માહિતગાર હશે અને તેથી જ તેણે બુધવારે જણાવ્યું હતું કે તેની ટીમ માત્ર વળતા પ્રહાર માટે જ પ્રતિબદ્ધ નથી પરંતુ પ્લે ઓફમાં મોખરાની બે ટીમ તરીકે સ્થાન હાંસલ કરવા પણ પ્રયાસ કરશે.આઇપીએલમાં હાલમાં દિલ્હી કેપિટલ્સ ચોથા ક્રમે છે અને તે દસ મેચમાંથી ૧૨ પોઇન્ટ ધરાવે છે.
મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં દિલ્હી ૨૦૫ રનના ટારગેટ સામે રમી રહી હતી અને અંતે ૧૪ રનથી પાછળ રહી ગઈ હતી. આ અંગે વિપરાજ નિગમે કબૂલ્યું હતું કે કેટલાક ખેલાડીની શોટ સિલેક્શનમાં ભૂલ રહી ગઈ હતી અને અમારે મેચ ગુમાવવી પડી હતી.
તેણે જણાવ્યું હતું કે આ મેચમાં વારંવાર ઉતાર ચઢાવ આવ્યા હતા અને તેને કારણે અમારે ઉતાવળમાં કેટલાક નિર્ણય લેવા પડ્યા હતા જેને કારણે સમસ્યા સર્જાઈ હતી. જોકે અમારી પાસે હજી ચાર મેચ રમવાની બાકી છે જેમાં અમે વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કરીશું અને મોખરાના બે ક્રમે રહેવાની અમારી યોજના છે.દિલ્હી કેપિટલ્સ હાલમાં ચોથા ક્રમે છે અને ૧૨ પોઇન્ટ ધરાવે છે.
અમારો પ્રયાસ તેમના મુખ્ય બે સ્પિનરને ટારગેટ બનાવવાનો હતો અને પહેલી બે ઓવરમાં અમે આમ કર્યું પણ હતું પરંતુ એવો તબક્કો આવ્યો હતો જયારે અમે શોટની પસંદગીમાં ભૂલ કરી બેઠા હતા અથવા તો એવું કાંઈક બન્યું હતું જેમાં અમારા સેટ થયેલા બેટ્સમેન આઉટ થઈ ગયા હતા તેમ વિપરાજ નિગમે ઉમેર્યું હતું.
નિગમે જણાવ્યું હતું કે કોલકાતા નાઇટ રાઇડર્સ જેવી બોલિંગ સામે બેટિંગમાં ઉતરવાની સાથે જ આક્રમક બનવું આસાન હોતું નથી. આથી જ જો સેટ થયેલો બેટ્સમેન ટકી રહે અને બેટિંગ કરી હોત તો અમે આસાનીથી મેચ જીતી શકીએ તેમ હતા.દિલ્હી કેપિટલ્સ માટે ઓપનર ફાફ ડુ પ્લેસિસે ૬૨ અને કેપ્ટન અશ્રર પટેલે ૨૩ બોલમાં ૪૩ રન ફટકાર્યા ત્યાર બાદ વિપરાજ નિગમે આક્રમક બેટિંગ કરીને ૧૯ બોલમાં ૩૮ રન ફટકાર્યા હતા.
જોકે ૨૦ વર્ષના આ સ્પિન ઓલરાઉન્ડર અને લેગ સ્પિનર બોલિંગમાં કાંઈ કરી શક્યો ન હતો અને તેને એકેય વિકેટ મળી ન હતી. તેણે ઉમેર્યું હતું કે આઇપીએલ એક એવી ટુર્નામેન્ટ છે જ્યાં તમને ઉતાર અને ચઢાવ બંનેનો સામનો કરવાનો આવે છે. આ સમયે તમારે શાંતચિત્તે અને મજબૂત દિમાગ સાથે રમવાનું હોય છે. આ પ્રકારની ટુર્નામેન્ટમાં સિનિયર્સની ભૂમિકા મહત્વની હોય છે અને મને તેમનો સહકાર તથા પીઠબળ મળતું રહે છે.SS1MS