Western Times News

Gujarati News

અમે ક્યારેય આવા દૃશ્યો નથી જોયા, મેં ૧૫ મૃતદેહો બહાર કાઢ્યા હતા

શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ધક્કા-મુક્કી કરી રહ્યા હતાં

નવી દિલ્હી,  નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ થયેલી નાસભાગમાં ૧૮ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં નવ મહિલા, ચાર પુરૂષ અને પાંચ બાળકો સમાવિષ્ટ છે. જેમાં સૌથી વધુ નવ બિહારના, આઠ દિલ્હીના અને એક હરિયાણાના છે.

આ ઘટના પ્લેટફોર્મ ૧૩ અને ૧૪ પર બની હતી. તે સમયે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવા ધક્કા-મુક્કી કરી રહ્યા હતાં.

રેલવે સ્ટેશન પર ઘટના દરમિયાન હાજર કુલી સુગન લાલ મીણાએ જણાવ્યું હતું કે, મેં મારા સાથીઓ સાથે મળીને ૧૫ મૃતદેહોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સમાં મૂક્યાં હતાં. હું ૧૯૮૧થી અહીં કુલી તરીકે કામ કરું છું. આવી ભીડ ક્યારેય જોઈ નથી. પ્લેટફોર્મ બદલાઈ ગયું, જેના કારણે નાસભાગ મચી હતી. લોકો એકબીજા ઉપર ચઢી ગયા. મૃતદેહો જોયા બાદ અમે ભોજન પણ કરી શક્યા નહીં.

કુલી મીણાએ જણાવ્યું કે, પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર ૧૨ પરથી રવાના થવાની હતી. પરંતુ અચાનક પ્લેટફોર્મ નંબર ૧૬ પર શિફ્ટ કરવામાં આવતાં પ્લેટફોર્મ નંબર ૧૨માં ટ્રેનની રાહ જોઈ રહેલી ભીડ પ્લેટફોર્મ નંબર ૧૬ તરફ ભાગી. જેમાં અફરાતફરી મચી અને લોકો ધક્કા-મુક્કી કરવા લાગ્યા. ઘણા લોકો એસ્કેલેટર તથા સીડીઓ પરથી પડી ગયાં.

નાસભાગના બાદ પ્લેટફોર્મ પર માત્ર જૂતાં અને સામાન જ્યાં-ત્યાં પડેલા જોવા મળ્યાં. ઘાયલો પણ દર્દથી કણસી રહ્યા હતાં. ત્રણ-ચાર એમ્બ્યુલન્સ પહોંચતાં ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતાં. કુલી અને રેલવે સ્ટેશન પર હાજર લોકોએ કચડાઈ ગયેલા મૃતદેહોને પણ બહાર કાઢ્યા હતાં.

અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, પ્લેટફોર્મ નંબર ૧૩ અને ૧૪ પર નાસભાગની ઘટના બની હતી. ટ્રેનના પ્લેટફોર્મ પર પાંચથી દસ હજાર લોકો હતાં. જેવી ટ્રેન પ્લેટફોર્મ નંબર ૧૬ પર આવવાની હોવાની જાણકારી મળી તેવા જ લોકો ટ્રેન પકડવા દોડાદોડ કરવા લાગ્યાં.

ભીડ બેકાબૂ બની. લોકો એક-બીજાને કચડીને આગળ વધી રહ્યા હતાં. ઘણાના શ્વાસ રૂંધાવા લાગ્યાં.
ફૂટ ઓવરબ્રિજથી પણ ઘણા લોકો નીચે પડી ગયાં. રેલવે પ્રશાસન અને સુરક્ષા દળ સ્થિતિને કાબૂમાં લેવા નિષ્ફળ રહ્યાં. જેના લીધે ઘણા લોકોએ જીવ ગુમાવ્યાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.