અરજીના નિકાલ માટે કરવામાં આવે છે પૈસાની માંગણીનો આક્ષેપ
(પ્રતિનિધિ) ગોધરા પંચમહાલ જિલ્લાની ગોધરા સીટી સર્વે કચેરીમાં અરજદારોને કામગીરી માટે ધરમ ધક્કા ખવડાવવામાં આવતાં હોવાની બૂમ અરજદારોમાં ઉઠી છે. અરજદારો કચેરીમાં કામ કરવા માટે વ્યવહાર કરવાના નામે નાણાંની માંગણી કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપ અરજદારો કરી રહ્યા છે સાથે અહીં મુખ્ય અધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે એવી પણ માંગ ઉઠી છે.જાેકે મીડિયા અને ધારાસભ્યની ઉપસ્થિતીને લઈ કચેરીના એકપણ કર્મચારીઓએ તેઓ સામે ખુલ્લેઆમ અરજદારો આક્ષેપ કરતા હોવા છતાં હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નોહતો અને એક તબક્કે કચેરીમાં સોપો પડી ગયો હતો.
ગોધરા ખાતે આવેલી પંચમહાલ જિલ્લા સીટી સર્વે કચેરી ખાતે અરજદારો પોતાના જમીન મકાનને લગતી કામગીરી માટે આવતાં હોય છે. કચેરી માંથી નકશા મેળવવા અને મિલ્કતના પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી સહિતની કામગીરી આ કચેરીના માધ્યમથી થતી હોય છે.આ કચેરીમાં હાલ મુખ્ય અધિકારી ચાર્જમાં છે જેથી રોજ મળી શકતા નથી વળી અરજદારોએ કરેલા આક્ષેપ મુજબ છેલ્લા પાંચ મહિના ઉપરાંતના સમયગાળાથી તેઓ પોતાના કામ માટે કચેરીમાં આવી રહ્યા છે અને કામગીરી સંલગ્ન તમામ જરૂરી દસ્તાવેજાેની પણ આપ્યા પછી પણ કચેરીના જવાબદારો ધરમ ધક્કા ખવડાવી રહ્યા હોવાના આક્ષેપ અરજદારો કરી રહ્યા છે.
ગુરૂવારે કચેરીમાં કામગીરી માટે આવેલા અરજદારોએ રીતસર હોબાળો મચાવ્યો હતો અને કેટલાક જાગૃત અરજદારોએ કર્મચારીઓ સાથે વિડિઓ રેકોર્ડિંગ કરતાં જ કર્મચારીઓમાં હડકમ્પ મચી ગયો હતો સાથે જ કેટલાક કર્મચારીઓએ પોતાના ટેબલની જગ્યા છોડી દીધી હોવાના દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા. ગોધરા સીટી સરવે કચેરીમાં અરજદારોના કામ નહીં થતા હોવા મુદ્દે કેમ્પસમાં આવેલા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને રજુઆત મળી હતી જેથી તેઓ સીટી સરવે કચેરીમાં દોડી ગયા હતા અને ઉપસ્થિત અરજદારોની રજુઆત સાંભળી હતી ત્યારબાદ કચેરીમાં ઉપસ્થિત કર્મચારીઓને મળી અરજદારોને પડતી તકલીફ અંગે પૃચ્છા કરી હતી.
દરમિયાન ફતેસિંહ ચૌહાણે કર્મચારીઓને કામગીરી માટે આવતાં અરજદારોને હેરાન નહિં કરવા તાકીદ કરી હતી સાથે અરજદારોએ વ્યવહારના નામે માંગણી મુદ્દે પણ તેઓએ કર્મચારીઓને સરકારનું ખરાબ જાેવાય એવા કૃત્ય નહિં કરવા પણ ભારપૂર્વક સૂચના આપી હતી.