નર્મદાના પુરથી ભરૂચના ધરતીપુત્રોને નુકશાન થતા સહાયની માંગ

સહાય મળે તો ત્રણેક માસ પછી બીજો પાક લેવાની ખેડૂતોને આશા.
(વિરલ રાણા) ભરૂચ, નર્મદા ડેમ માંથી છોડવા આવેલ લાખો કયુસેક પાણીથી નર્મદા નદી ટુંક સમય મા બીજી વખત ભયજનક સપાટી વટાવતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.જેના કારણે પૂરના પાણી ખેતરોમાં ફરી વળતાં ભરૂચ જીલ્લાનાં ખેડૂતોના પાકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.
ભરૂચના ગોલ્ડનબ્રિજ પર નર્મદા નદી ૨૪ ફુટની ભયજનક સપાટી વટાવી ૨૮ ફુટની નજીક પોહચતાં નદી કાંઠા છોડી આસપાસના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં પ્રવેશતા ધરતીપુત્રોના માથે ટુંક સમયમાં બીજીવાર આફત આવી છે.માંડવા સહિત ના રોડની બંને બાજુ આવેલ ખેતરો મા પુરના પાણીએ વ્યાપક તારાજી સર્જી છે.
ખેડૂતો તેમના પશુઓ તો ખેતર માંથી બાહર કાઢી શક્યા પણ કેળ સહિત ના શાકભાજીના પાકને બચાવી નથી શક્યા.પાણી ઉતર્યા બાદ પણ ખેતરમાં જવાનું શક્ય નથી.નર્મદાની સપાટીમાં ઘટાડો થયો છે.પણ ખેતરોમાં હજુ પણ પાણીનો નિકાલ ન હોવાથી ખેતીને ભારે નુકસાન થયું છે.
ધરતી પુત્રોના લલાટે ચિંતાની રેખાઓ ખેંચાઈ છે સરકાર આર્થિક સહાય કરે તો ત્રણેક મહિના બાદ ફરી બીજો પાક લઈ શકાય તેમ ખેડૂતો માંગ કરી રહ્યા છે. નર્મદા નદીમાં સતત બીજીવાર પુર આવતા ખેડૂતો માટે આ પુર પડતાં પર પાટું સમાન સાબિત થયું છે.ત્યારે તંત્ર પુર ઉતરતા જ ખેડુતોને સહાય માટેની કાર્યવાહી હાથધરે તે આવશ્યક છે.