અંબાજીના રીંછડીયા તળાવમાં આબુની જેમ બોટિંગ જેવી સુવિધા શરૂ કરવા માંગ
મહાદેવ મંદિરનું તેમજ આસપાસના વિસ્તારના વિકાસ માટે સરકાર રૂ.પ૪ કરોડનો ખર્ચ કરશે
અંબાજી, શક્તિપીઠ અંબાજીને યાત્રાધામની સાથે પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેને લઈ અંબાજી આસપાસના વિસ્તારોને પણ વિકસિત કરાઈ રહ્યા છે જેમાં અંબાજીથી ત્રણ કિ.મી. દૂર આવેલા રીંછડીના મહાદેવ મંદિરનું તેમજ આસપાસના વિસ્તારનો વિકાસ કરવા માટે સરકારે રૂ.પ૪ કરોડની રકમ ખર્ચ કરવાનું આયોજન કર્યું છે.
આ રીંછડીયા મહાદેવ મંદિર પાસે વિશાળ સિંચાઈનો ડેમ આવેલો છે જેમાં હાલ ર૬ ફૂટ જેટલા પાણીનો ભરાવો જાેવા મળી રહ્યો છે. લાંબા સુધી પથરાયેલા આ ડેમના પાણીને લઈ આ તળાવને બ્યુટિફિકેશન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હમણાં ચોમાસાની સિઝનમાં ઠેર-ઠેકાણે આકર્ષક પાણીના ઝરણાં જાેવા મળે છે. રીંછડીયા મહાદેવનું મંદિર આ વિસ્તારમાં આવેલું છે જેનું કરોડો રૂપિયાના ખર્ચે નવસર્જન કરવા સરકારે નિર્ણય લીધો છે.
આ રીંછડી વિસ્તારની કાયાકલ્પ માટે સરકારે રૂા.પ૪ કરોડનો પ્રોજેકટ તૈયાર કર્યો છે જેમાં રીંછડીયા તળાવ બ્યુટિફિકેશન, ચેકડેમ, ફૂવારા તેમજ ફૂડ ઝોન જેવી સુવિધાઓ વિકસાવીને અંબાજીમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જાેકે રીંછડીયા મહાદેવ મંદિરના મહંતે જણાવ્યું હતું કે, રીંછડી ડેમમાં માઉન્ટ આબુની જેમ બોટિંગ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવાય તો આબુની જેમ આ વિસ્તારોનો વિકાસ થઈ શકે એમ છે.