પેટલાદમાં બીજા દિવસે પણ ડિમોલીશન ચાલુ
પાલિકાનો દબાણકારો ઉપર સપાટો વધુ ૪૦ દબાણો દૂર કર્યા
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકા દ્વારા આજે બીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહી હતી. આજે દબાણકારો ઉપર સપાટો બોલાવતા પાલિકાએ ૪૦ જેટલા દબાણો દૂર કર્યા હતા. જ્યારે સ્ટેશન રોડ સ્થિત અનેક દુકાનદારોએ બહાર સુધી લાવેલ બોર્ડ અને ડેરા તંબુ આપોઆપ દૂર કર્યા હોવાનું જાેવા મળ્યું હતું. શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપરના નડતરૂપ દબાણો કાયમી ધોરણે સદંતર હટાવી ના લેવાય ત્યાં સુધી રોજેરોજ દબાણ હટાવ ઝુંબેશની કામગીરી પાલિકા દ્વારા ચાલુ રહેવાનુ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરમાં હાલ પાલિકા દ્ધારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. ગતરોજ દિવસ દરમ્યાન પાલિકા દ્ધારા ૮૦ જેટલા નડતરૂપ લારી, ગલ્લા, કેબીન, શેડ વગેરે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સિવીલ હોસ્પિટલથી શરૂ કરી સરગમ સિનેમા સુધી દબાણો દૂર કરવાની કામગીરી ગતરોજ કરવામાં આવી હતી.
આજે સવારે ૧૧ કલાકથી પુનઃ પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજ જુદી જુદી ટીમો અને પોલીસ બંદોબસ્ત સાથે બેંક ઓફ બરોડા પાસે પહોંચી ગયા હતા. જ્યાંથી નડતરૂપ લારી, ગલ્લા, શેડ જેવા દબાણો દૂર કરવાનુ શરૂ કર્યું હતું. આ ટીમ સ્ટેશન રોડ સ્થિત પેટ્રોલ પંપ પાસે બપોરે એક કલાકે આવી પહોંચી હતી. જ્યાં સાર્વજનિક ક્લબ પાસે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પરીખની મોબાઈલ શોપ આવેલ છે.
જેની બહાર રસ્તા પૈકીની જગ્યા ઉપર દુકાનનુ સાઈન બોર્ડ લગાવેલ હતું, જે પાલિકા દ્ધારા ઉખાડી દૂર કરવામાં આવતા આ મુદ્દો દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો. ઉપરાંત શહેરના ભરચક એવા સરદાર ચોક વિસ્તારના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. આજરોજ પાલિકા દ્ધારા ટાઉનહોલ સુધી દબાણ હટાવ કામગીરી સંપન્ન કરવામાં આવી હતી. આજે લગભગ ૪૦ જેટલા લારી, ગલ્લા, શેડ વગેરે દૂર કર્યા હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.