નોટબંધી સાચી કે ખોટી હવે શું ફેર પડશે ?
૮ નવેમ્બર ર૦૧૬થી રાત્રે ૮ વાગે ખુદ વડાપ્રધાને ટીવી પર આવીને નોટબંધીની જાહેરાત કરી હતી. દેશમાં પ૦૦ અને ૧૦૦૦ના દરની નોટો એક ઝાટકે બંધ કરી દીધી હતી. દેશમાં ફરતી ૮૬ ટકા ચલણી નોટો એક સેકન્ડમાં જ જાણે કાગળના ટુકડા થઈ ગયા હોય તેવી હાલત સર્જાઈ. જેના પગલે દેશભરમાં ભારે અંધાધૂંધી અને અવ્યવસ્થા ત્યાર પછીના દિવસોમાં સર્જાઈ હતી. આ નોટબંધીના કારણે દેશમાં ઘણું બધુ બદલાઈ ગયું.સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું હતું કે, નોટબંધીના કારણે ત્યાર પછીના ચાર મહિનાઓમાં ૧પ લાખ લોકોની નોકરીઓ જતી રહી હતી. નોકરી જનાર એક વ્યક્તિ જાે ચાર વ્યક્તિઓના કુટુંબનું ભરણપોષણ કરતો હોય તો ર૦ લાખ લોકોના મોંમાંથી કોળિયો છીનવાઈ ગયો. આ સરવેમાં કહેવાયું હતું. નોટબંધી પછી જાન્યુઆરીથી એપ્રિલ ર૦૧૭માં દેશમાં નોકરીઓની સંખ્યા ઘટીને ૪૦ કરોડ પ૦ લાખ સુધીની થઈ ગઈ. દેશમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર ર૦૧૬ સુધી નોકરી સંખ્યા ૪૦ કરોડ ૬પ લાખ હતી એટલે ૧પ લાખ લોકો બેકાર બન્યાં તેવું કહી શકાય.
નોટબંધીની જાહેરાતને કારણે ૩૩ લોકોના મોત થયા હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં કહેવાયું હતું. કેટલાક લોકોને આઘાણને કારણે મોત થયા. કેટલાકના બેંકોની બહાર લાગેલી લાંબી લાઈનોને કારણે મૃત્યુ થયાં પશ્ચિમ બંગાળમાં આપઘાતના કિસ્સા પણ નોંધાયા હતા. એટીએમની બહાર ધક્કા-મુક્કી અને અવ્યવસ્થાની ઘટનાઓતો ઠેરઠેર બની હતી. ઉત્તરપ્રદેશમાં આવા કિસ્સાઓ વધુ જાેવા મળ્યા હતાં.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી રિપોર્ટમાં કહેવાયું કે, નોટબંધીને કારણે ભારતના વેપારમાં ૬૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રિપોર્ટમાં કહેવાયું કે, ભારતીય બેંકોને ૩પ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને અર્થવ્યવસ્થાને ૧.ર૮ લાખ કરોડ રૂપિયાના નુકસાનની વાત કહેવાઈ. આ ઉપરાંત નવી નોટો છાપવા માટે ૧૭ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો જેની સીધી અસર અર્થવ્યવસ્થા ઉપર પણ પડી. જેને રિકવર કરવામાં વર્ષો વીતી ગયા.
આ ઉપરાંત નોટબંધીને કારણે કેશલેસ ઈકોનોમી વધશે તેવી વાત કહેવાઈ હતી. નવેમ્બર ર૦૧રના આંકડાઓ મુજબ અર્થવ્યવસ્થામાં ડિજિટલ લેવડ-દેવડનું પ્રમાણ વધી ગયું છે પરંતુ રિસર્ચનું કહેવું છે કે, ૭૬ ટકા ભારતીયોને રોકડા પૈસાની લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે. નોટબંધીને કારણે સરકાર તેની સફળતા ગણાવતી રહી જયારે વિપક્ષો નોટબંધીને ખામીઓ બતાવતા રહ્યાં. સરકારે કહ્યું કે, નોટબંધીને કારણે ભ્રષ્ટાચાર ઉપર લગામ રખો. કેશલેસ ઈકોનોમી વધશે, નકલી નોટો પર લગામ મૂકી શકાશે. બાંધકામ ઉદ્યોગ પારદર્શી બનશે. કાળું નાણું ખતમ થઈ જશે.
એક સમાતંર- અર્થવ્યવસ્થા કાળા નાણાની હતી તે પણ બંધ થઈ જશે. ટેકસની ભરપાઈ વધશે જેના કારણે સરકારની આવક વધશે. ફાઈનાન્સિયલ સેવિગ્સમાં વધારો થશે. બેંકોની કમાણી વધશે અને લોોનો સસ્તી થશે. જાેકે સરકારના આ ફાયદાઓ સામે વિપક્ષોએ પણ નોટબંધીને કારણે થયેલું નુકસાન ગણાવ્યું હતું. જેમાં જીડીપીમાં ઘટાડો, બેકારીમાં વધારો, લોકોનું દેવું વધી ગયું અને સરકારની કમાણી વધી નહી વગેરેનો સમાવેશ કરાયો હતો. આજે નોટબંધી જાહેર કરાયાના છ વર્ષ પૂરા થઈ ગયા છે. નોટબંધીની સારી ખરાબ અસરો પણ ભુલાઈ ગઈ છે, કોઈ નોટબંધીને યાદ પણ કરતું નથી. ત્યારે ફરીવાર આ નોટબંધી ચર્ચામાં છે તેનું કારણ સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલો ચુકાદો છે. નોટબંધી બાદ કેન્દ્ર સરકારે જાહેર કરેલી નોટબંધીને પડકારતા પ૬ કેસોની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સરકારે જાહેર કરેલી નોટબંધીને સાચી ઠેરવી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજાેની બેન્ચે બહુમતીથી સરકારના આ નિર્ણયને સાચો ઠેરવ્યો હતો.
પાંચ જજમાંથી ચાર જજાેએ પોતાના ચુકાદામાં કહ્યું કે, આરબીઆઈના નિયમની કલમ ર૬ (ર) મુજબ કેન્દ્ર સરકાર પોતાની પાસે રહેલી શક્તિઓનો ઉપયોગ કરીને ચલણી નોટોની તમામ સિરીઝને રદ કરી શકે છે. નોટબંધીના વિરોધમાં અરજદારોએ પોતાની દલીલો મૂકી હતી કે, પ૦૦ અને ૧૦૦૦ની નોટોની તમામ સિરીઝને એક ઝાટકે રદ કરી ના શકાય. દલીલમાં કહેવાયું કે, આરબીઆઈની કલમ ર૬(ર)માં કોઈપણ શબ્દનો ઉપયોગ કર્યો છે. જેનો અર્થ એવો થાય કે, સરકાર ચલણી નોટોની કેટલીક સિરીઝો રદ કરી શકે છે. તમામ નોટો નહીં. જાેકે આ વાતને કોર્ટ બેન્ચના ચાર જજાેએ સ્વીકારીન હતી અને નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
જાેકે કોર્ટ બેન્ચના પાંચમાંથી એક મહિલા જજ નાગરત્નાએ મોતનો અલગ સૂર કાઢયો હતો અને કહ્યું હતું કલમ ર૬ (ર) હેઠળ માત્ર આરબીઆઈના કેન્દ્રીય બોર્ડના કહેવાથી નોટબંધી પર વિચાર કરી શકાય. જાેકે આ કિસ્સામાં આરબીઆઈથી આ પસ્તાવ શરૂ થયો નથી. કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી માત્ર એક જાહેરનામું કે કાયદાના માધ્યમથી કરી શકાતો હતો. બહુમતી જજાેના ફેસલાની વિરુદ્ધ પોતાનો અભિપ્રાય આપનાર જજ નાગરત્નાના આ મતની ભારે ચર્ચાઓ થઈ રહી છે અને નોટબંધીનો વિવાદ બંધ થવાને બદલે ફરી પાછો ચર્ચામાં આવી ગયો છે.
જાેકે આ આખી માથાકૂટ અર્થ વગરની છે, કારણ કે આજથી છ વર્ષ પહેલાં નોટબંધીની પ્રક્રિયાને કારણે દેશની અર્થવ્યવસ્થાને અને લોકોને જે નફા-નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે. હવે નોટબંધી સારી કે ખરાબ અંગેનો કોઈપણ ચુકાદો આવે તેનાથી લોકોને કોઈ ફરક પડવાનો નથી. લોકો નોટબંધીને કારણે જે હાડમારી અને મુશ્કેલીઓ ભોગવી ચુકયા છે તેનો હવે કોઈપણ સંજાેગોમાં બદલો મળી શકવાનો નથી.