વિશ્વામિત્રીના પૂરમાંથી વડોદરાને રાહત માટે બફર તળાવનું ખોદકામ શરૂ કરાયું

વડોદરા, વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા વિશ્વામિત્રી નદીના દેણા ખાતે બફર તળાવ ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી આગામી ૧૦૦ દિવસ સુધી ચાલશે. આ તળાવ પૂર નિવારણ માટે મદદરૂપ થવાની સાથે પાણીના સ્ત્રોતની ગરજ સારશે, તેવો વિશ્વાસ પાલિકાના સત્તાધીશો દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે.
વડોદરા પાસે દેણા ગામથી વિશ્વામિત્રી નદી વડોદરામાં પ્રવેશ કરે છે તે સ્થળે બફર તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રપ કરોડ લિટર પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે. આ માટે પણ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કંપનીઓ પાસેથી સામાજિક સેવા માટે ફાળવવામાં આવતા સીએસઆર ફંડની માંગણી કરી હતી અને તે માંગણી કેટલીક કંપનીએ સ્વીકારી છે. જેથી તળાવ ખોદકામનો ખર્ચ કોર્પોરેશનને ભોગવવાનો આવશે નહીં.
આ તળાવના ખોદકામ બાદ જે પાણી સંગ્રહ થશે તે પ્રજા સુધી પહોંચે તે માટેનું પણ આયોજન કરાઈ રહયું છે. વડોદરા પાલિકાની સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે વડોદરાના દેણા ખાતે સૂર્યા નદીના કિનારે પાલિકા ઈંટોના ભઠ્ઠા માટે વર્ષ ૧૯૭૦ની સાલમાં ખરીદી હતી, તે પૈકી ૭ હેકટર જેટલી જગ્યા પાલિકાની માલિકીની છે.
તેમાંથી પ હેકટર તળાવનું ખોદકામ યંત્રમાન કંપની દ્વારા ખોદવાનું કામ સોંપવામાં આવ્યું છે આ તળાવ ઉંડુ કરશે જેના કારણે સુર્યા નદીમાં આજવાનું પાણી વહીને આવે છે તેના કિનારે બફર લેકનું આયોજન કર્યું છે. આ યોજનામાં અન્ય તળાવો જોડે તેનું ઈન્ટરલિંક કરવામાં આવશે. વિશ્વામિત્રીના નદીના પૂરથી રાહત મળશે તેવી આશા છે. રપ કરોડ લિટર સ્ટોર કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે દેણા ખાતે વિશ્વામિત્રી અને સુર્યા નદી જયાં મળે છે, ત્યાં આજુબાજુ પાલિકાની કોતરની જમીન છે. અહિંયા બફર લેક બનાવવાનું આયોજન છે. બે લાખ ઘન મીટર માટી કાઢવામાં આવનાર છે. અઢીથી ત્રણ મહિનામાં આ પ્રોજેકટ પૂર્ણ થશે.