૧૪ વર્ષ સુધીના પ૬૭ બાળકો ડેન્ગ્યુના સકંજામાં
રોગચાળા માટે શાસક પક્ષની નિષ્ક્રિયતા- વહીવટી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર: શહેજાદખાન
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ ભેજવાળા વાતાવરણના પરિણામે મચ્છરજન્ય રોગચાળાનો પ્રકોપ વધી રહયો છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચીકનગુનીયા જેવા જીવલેણ રોગ સતત વધી રહયા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી ડેન્ગયુના કેસ બહાર આવી રહયા છે પરંતુ પૂર્વના વિસ્તારોમાં કેસની સંખ્યા ઘણી જ વધારે છે જે ચિતાની બાબત માનવામાં આવે છે.
ચોંકાવનારી બાબત એ છે કે પપ૦ કરતા પણ વધુ બાળકો ડેન્ગ્યુના સકંજામાં આવી ગયા છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાનો કહેર વધી રહયો છે. ચાલુ મહિનાના પ્રથમ ૧૪ દિવસમાં જ ડેન્ગ્યુના ર૮ર અને ચીકનગુનીયાના-રર કેસ નોંધાયા છે. જયારે ૧ જાન્યુઆરીથી ૧૪ સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના ૧૩૯૦ અને ચીકનગુનિયાના ૯૩ કેસ નોંધાયા છે. ર૦ર૩માં સમગ્ર વર્ષ દરમિયાન ચીકનગુનિયાના માત્ર પ૪ કેસ કન્ફર્મ થયા હતાં.
ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૬૮૮ કેસ કન્ફર્મ થતાં હાહાકાર મચી ગયો હતો. શહેરમાં સાદા મેલેરિયા અને ઝેરી મેલેરિયાના કેસ પણ વધી રહયા છે. સપ્ટેમ્બર મહિનામાં સાદા મેલેરિયાના ૪૭ કેસ કન્ફર્મ થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે ડેન્ગ્યુના સકંજામાં નાના બાળકો મોટી સંખ્યામાં આવી રહયા છે.
મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મેલેરિયા વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન ૮૦૬ર કન્સ્ટ્રકશન સાઈટની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી ર૮૦૭૮ને નોટિસ આપી ૧ કરોડ ૪૯ લાખનો વહીવટી ચાર્જ વસુલ કર્યો છે. આ ઉપરાંત ૧ કરોડ ૪૭ લાખ ઘરોનો મુલાકાત લઈ ૪પ હજારમાં ફોગીંગ કરવામાં આવ્યું છે.
ચોમાસાની સીઝનના કારણે મચ્છરની સાથે સાથે પાણીજન્ય રોગચાળો પણ વધી રહયો છે. સપ્ટેમ્બર મહિનામાં ઝાડા-ઉલ્ટીના ર૬૭, કમળો-રર૬, ટાઈફોઈડ-૩૦૩ અને કોલેરાના નવા ર કેસ કન્ફર્મ થયા છે.
ચાલુ વર્ષ દરમિયાન કોલેરાના ૧૯૬ કેસ નોંધાયા છે. જે છેલ્લા બે દાયકામાં સૌથી વધારે છે. આ ઉપરાંત ટાઈફોઈડના ૪૦૯૩, કમળો-ર૧૦૩ અને ઝાડા-ઉલ્ટીના ૮૯૯૦ કેસ પણ નોંધાયા છે. મ્યનિ. કોર્પોરેશને પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કલોરિન ટેસ્ટ કરવાની ઝુંબેશ પણ શરૂ કરી છે. ચાલુ વર્ષ દરમિયાન કુલ૧૭૬૪૯પ કલોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ૪૯૮૪ ના પરીક્ષણમાં કલોરિનનો અભાવ જોવા મળ્યો હતો.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે રોગચાળા અંગે જણાવ્યું હતું કે દર વર્ષે કરોડો રૂપિયા હેલ્થ વિભાગ દ્વારા ખર્ચ કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ યથાવત રહી છે. શહેરના નાગરિકો કમળો, ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા પાણી તથા મચ્છરજન્ય રોગના શિકાર બની રહયા છે. સત્તાધારી પાર્ટીની નિષ્ક્રિયતા અને વહીવટીતંત્રના ભ્રષ્ટાચારના કારણે નાગરિકો રોગચાળાથી પીડાઈ રહયા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.