આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલી મેલેરીયા અને ડેન્ગ્યુ વિરોધી ડ્રાઇવ
માંડલ-દેત્રોજ, ધોલેરા અને ધોળકાના વટામણ અને ગણોલ PHC સેન્ટરના તમામ ગામમાં વરસાદ રોકાતા ભરાયેલા પાણીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો
અમદાવાદ જિલ્લામાં મેલેરીયા અને ડેન્ગ્યુ વિરોધી ડ્રાઇવ અંતર્ગત અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં અતિ વરસાદની પરિસ્થિતિ બાદ વિવિધ ગામડાઓમાં વરસાદી પાણી ભરાવો થતાં ત્યાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે અમદાવાદના તમામ ગામડાઓમાં ભરાયેલાં વરસાદી પાણીમાં અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માંડલ દેત્રોજ તાલુકાના તમામ ગામ, ધોલેરા તાલુકાના તમામ ગામ અને ધોળકાના વટામણ અને ગણોલ PHC સેન્ટરના તમામ ગામમાં સર્વેન્સલ કામગીરી હાથ ધરીને દરેક તાલુકાના ગામડાઓમાં મચ્છરોના બ્રીડિંગને ખતમ કરવા તથા મચ્છરોનો ફેલાવો અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા અગ્રતાના ધોરણે આ કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લા પંચાયત અને તમામ નગરપાલિકા તંત્ર દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને નાબૂદ કરી સમયાંતરે થતી પોરાનાશક કામગીરી અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેના સક્રિય પ્રયાસોથી અમદાવાદ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણમાં મદદરૂપ થશે.