સુરતમાં ડેન્ગ્યુનો હાહાકાર: મૃત્યુઆંક 9 પર પહોંચ્યો
સુરત, મચ્છરજન્ય રોગચાળાએ સુરત શહેરમાં માથું ઊંચક્યું છે. સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. ડેન્ગ્યુના કારણે સુરતના અમરોલી વિસ્તારના એક ૨૫ વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થયું હતું. જીવલેણ સાબિત થઇ રહેલા ડેન્ગ્યુના કારણે અત્યાર સુધીમાં આ ૯ મુ મોત હોવાનું નોંધાયુ છે.
ડેન્ગ્યુના કારણે વધુ એકનું મોત થયાનું સામે આવ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશના ૨૫ વર્ષીય આત્મા બરસાતી નિશાદ રહે છે. ફર્નિચરનું કામકાજ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો અને છ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.
આત્માને થોડા દિવસોથી તાવ આવતો હતો. તાવ આવતા તે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો હતો. લોહીનો રિપોર્ટ કરાવતા તેને ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું હતું. તેની સારવાર હાથ ધરવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે એક તબીબ સહિત નવ લોકોના મોત થયા હોવાનું નોંધાયુ છે. ડેન્ગ્યુનો કહેર ઘટાડવા પાલિકાનું આરોગ્ય તંત્ર પણ કામે લાગી ગયું છે. હાલ ચોમાસુ વિદાય તરફ છે. છતાં બે ઋતુ હોય તેવી સ્થિતિ છે. ગરમી, વાતાવરણમાં ભેજ અને ક્યારેક વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
આવી હાલતમાં રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાએ તો સુરતમાં હાહાકાર મચાવી દીધો છે. ડેન્ગ્યુના દર્દીઓથી હોસ્પિટલ્સ ઉભરાઈ રહી છે અને બેડ પણ ખૂટી રહ્યા છે, તેવું તબીબી વર્તુળો જણાવી રહ્યાં છે.SS1MS