કોરોનાની દહેશત વચ્ચે ડેન્ગ્યુએ માથું ઊંચક્યુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/dengue-scaled.jpg)
મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને ડેન્ગ્યુના વધતા જતા કેસ બાબતે વિસ્તૃત અભ્યાસ કરવાની હેલ્થ વિભાગને તાકીદ કરી
અમદાવાદ, ચીન, જાપાન, બ્રિટન અને અમેરિકામાં કોરોનાએ નવેસરથી મચાવેલા આતંકથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાઈ ગયો છે. કોરોનાના નવેસરના પ્રકોપથી સ્વાભાવિકપણે ગુજરાત અને તેમાં પણ રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં તેની દહેશત ફેલાઈ છે. સેંકડો લોકોમાં કોરોનાની નવી લહેરને લઈને ભારે ફફડાટ જાેવા મળી રહ્યો છે. આમ કોરોનાની દહેશતની વચ્ચે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુએ માથું ઊચક્યું છે.
અમદાવાદમાં ગંદકીના કારણે બારે મહિના મચ્છરોનો ત્રાસ જાેવા મળી રહ્યો છે. અનેક કિસ્સામાં લોકોનાં ઘરમાં જ ડેન્ગ્યુ અને મેલેરિયાનાં મચ્છર પેદા થાય છે. ફુલદાની, ફ્રીઝની બહારની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકી, ટાયર, ડબા, ભંગાર મની પ્લાન્ટની ભરેલી બોટલ, ચબુતરા, ઢોરના હવાડા, એરકૂલર, પ્લાસ્ટિક બોટલ, પેપરકપ વગેરે જગ્યાઓએ મચ્છરોની ઉત્પતિ થાય છે.
ડેન્ગ્યુનાં મચ્છર ખાસ કરીને ઘરમાં સંગ્રહી રાખેલાં પાણીમાં થાય છે એટલે પાણીનાં આવાં સંગ્રહ કરતાં એરકુલરની ટાંકી, ફુલદાની અને ફ્રીઝની બહારની ટ્રેને અઠવાડિયામાં એક વાર સ્વચ્છ કરવી જરૂરી છે, જ્યારે કોઠી, પીપ, ઘડો, પક્ષીઘર વગેરેને દર ત્રણ દિવસે એક વાર ખાલી કરવાં જાેઈએ. શહેરીજનો અત્યારે મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના શિકાર બની રહ્યા છે. તેમાં પણ ડેન્ગ્યુના સત્તાવાર કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
ડેન્ગ્યુના દર્દીમાં અચાનક તાવ આવીને તેનું શરીર ખૂબ દુઃખે છે, માથું અને આંખની પાછળ દુખાવો થવો, ઊલટી, ઓછો પેશાબ, ચક્કર, રતાશ પડતા લોહીવાળા ડાઘ, ચામડીમાંથી લોહી ઝરવું તેમજ પેટમાં સતત દુખાવો અને ભૂખ ન લાગવી જેવાં લક્ષણો નજરે પડે છે. ડેન્ગ્યુનો દર્દી ડોક્ટરની જલદી સારવાર ન મળે તો બેભાન પણ થઈ જાય છે. જાેકે તેના દર્દીને એસ્પિરિન કે બ્રુફેન જેવી દવાઓથી પેટમાં રક્તસ્ત્રાવ થતો હોઈ તેવી દવા આપવી હિતાવહ નથી.
અમદાવાદમાં ડેન્ગ્યુના વધતા જતા કેસથી ખુદ મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન ચિંતામાં ગરકાવ થયા છે. તેમણે તાજેતરમાં હેલ્થ વિભાગના ચાર અધિકારીઓને ડેન્ગ્યુના કેસની વૃદ્ધિ બાબતે વિસ્તૃત તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ડેન્ગ્યુના કેસ કયા વોર્ડમાં સવિશેષ નોંધાયા છે, તે વોર્ડમાં કેમ વધુ સંખ્યામાં નોંધાયા છે વગેરે બાબતોનો ઝીણવટભરી તાકીદ પણ કમિશનર દ્વારા કરાઈ છે.
આમ એક તરફ કોરોનાના સંભવિત સંક્રમણથી શહેરીજનોમાં ફરીથી ગભરાટ જાેવા મળ્યો છે. બીજી તરફ ભરશિયાઓમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુનો પ્રકોપ વધ્યો છે. ખુદ હેલ્થ વિભાગના ડેન્ગ્યુના સત્તાવાર કેસના આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે, કેમકે તંત્રના ચોપડે તો તા.૧થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં ડેન્ગ્યુના ૧૮૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જાેકે ડેન્ગ્યુના બિનસત્તાવાર કેસનો આંકડો ૮૫૦થી વધુ કેસનો છે. જાેકે ડેન્ગ્યુના બિનસત્તાવાર કેસનો આંકડો ૮૫૦થી વધુ કેસનો છે. બીજા અર્થમાં ડિસેમ્બરના એક જ મહિનામાં શહેરમાં ૧૦૦૦થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાઈને તેનાથી ત્રણથી વધુ દર્દીનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે.
જાેકે તંત્રના ચોપડે ડેન્ગ્યુના એક પણ દર્દીનું મોત દર્શાવાયું નથી. શહેરના પશ્ચિમ વિસ્તાર કરતા પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યુએ લોકોમાં વધુ હાહાકાર મચાવ્યો છે.જાેકે મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને હેલ્થ વિભાગ સંબંધિત અધિકારીઓને ડેન્ગ્યુના સતત વધતા જતા કેસની બાબતે ગંભીરતાથી લેવાનો આદેશ આપતા હેલ્થ વિભાગ પણ હરકતમાં આવી ગયો છે.