DEO કચેરીમાં શાળાનાં શૈક્ષણિક પ્રવાસ માટેની અરજીઓનો ઢગલો
અમદાવાદ, શાળાઓમાંથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસે લઈ જવાતા હોય છે પરંતુ કેટલાક શાળા સંચાલકો પોતાની મનમાની પ્રમાણે શાળા પ્રવાસ લઈ જતાં હોય છે જેના કારણે કોઈ અઘટિત ઘટના બને ત્યારે ગંભીર પરિસ્થિતિ સર્જાય છે જેથી શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાને એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
સરકારે પ્રવાસ માટેના નિયમો બદલ્યા બાદ, હાલમાં શિયાળાની સિઝનમાં અને શૈક્ષણિક વર્ષ પૂરું થાય તે પહેલાં શહેરની સ્કૂલોએ ડીઈઓ કચેરીમાં પ્રવાસની મંજૂરી માંગી છે. હાલમાં આ મંજૂરી માટેની અરજીમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા નિયમમાં ડીઈઓ, પોલીસ અને આરટીઓને જાણ કરવાની હોય છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ર૦ર૦માં સૂચવેલ દફતર વગરના દિવસો દરમિયાન બાળકો ઐતિહાસિક, સાંસ્કૃતિ અને પ્રવાસનની દૃષ્ટિએ મહત્ત્વના સ્થળોની મુલાકાત લે તેના પર ભાર મૂકવામાં આવે છે.
રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ, ઘડતર અને અવલોકન શક્તિ વધે. જિજ્ઞાસા સંતોષાય તથા વિદ્યાર્થીઓને આનંદ સાથે શૈક્ષણિક હેતુ સિદ્ધ થાય તે માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.
વડોદરામાં હરણી બોટકાંડની દુર્ઘટના સર્જાયા બાદ રાજ્યભરમાં શાળાકીય પ્રવાસો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. શાળાના પ્રવાસ માટેના જૂના નિયમોમાં ફેરફાર કરીને શિયાળા પહેલાં નવા નિયમો આપવામાં આવ્યા હતા જેના કારણે સંખ્યાબંધ શાળાઓ દ્વારા પ્રવાસ ઉપાડવાનું ટાળવામાં આવતું હતું. હરણી લેક ઝોનની દુર્ઘટના બાદ તો શહેરની કેટલીક શાળાઓ દ્વારા સ્વૈચ્છાએ જ શાળા કોઈ પ્રવાસ નહીં ઉપાડે તે પ્રકારનો નિયમ બનાવી દીધો હોવાનું જાણવા મળે છે.
પ્રવાસ લઈ જવા માંગતી સ્કૂલોને રાજ્ય બહાર પ્રવાસ હોય તો પોલીસ કમિશનર અને વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગની મંજૂરી લેવાની હોય છે. પ્રવાસે જનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સંમતિ પત્રકો રજૂ કરવાના હોય છે.
પ્રવાસ માટે જે સ્થળની મુલાકાત લેવાન હોય તેની માહિતી આપવાની હોય છે. પ્રવાસ માટે વાહનના પ્રકાર, વાહનની આરસી બુક, પીયુસી, ફિટનેસ, સર્ટીફિકેટ, વીમો જરૂરી છે. પોલીસ અને આરટીઓને જાણ કરી હોવાના પુરાવા તથા વાહન ચલાવનાર ડ્રાઈવરના લાઈસન્સની કોપી સહિતના દસ્તાવેજો પણ રજૂ કરવાના હોય છે. જો કે, સરકારના હવે નવા નિયમો મુજબ ડીઈઓ, પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગમાં જાણ કરવાની રહેશે.