Western Times News

Gujarati News

ગીર ગઢડા ગામ તાલુકો જાહેર થયા પછી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત

વહીવટદારને ગીર ગઢડા ગામ સિવાય અન્ય ગામની જવાબદારી હોવાથી ગીર ગઢડા ગ્રામ પંચાયતના લોકોના પ્રશ્નોનુ નિરાકરણ આવતું નથી

(એજન્સી) ગીર ગઢડા, ગીર બોર્ડરની નજીક આવેલું આ ગીર ગઢડા ગામ તાલુકો જાહેર થયાના ૧૦ વર્ષ પૂરા થયા પછી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ત્યારે ઘણી વખતે ગ્રામજનોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

અહી ગીર ગઢડા ગામની આશરે ૨૦,૦૦૦ જેટલી વસ્તી છે. છેલ્લા ત્રણ વર્ષથી અહી ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ નથી. જેથી ઘણી વગરના ગામના અનેક સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડે છે. વહીવટદારને ગીર ગઢડા ગામ સિવાય અન્ય ગામની જવાબદારી હોવાથી ગીર ગઢડા ગ્રામ પંચાયતના લોકોના પ્રશ્નોનુ નિરાકરણ આવતું નથી.

તેમજ તલાટી કમ મંત્રીને પણ અન્ય ગામોની જવાબદારી હોવાથી અહી સમયસર હાજર મળી આવતા નથી. અરજદારોને ગ્રામ પંચાયતના કામ માટે રોજ ધક્કા ખાવા પડે છે. વસ્તી પ્રમાણે ગામમાં પીવાના પાણીની સુવિધા નથી. ગટરના પાણી રોડ ઉપર વહી રહ્યા છે તેમજ ખુલ્લી ગટર સાફ કરવામાં આવતી નથી. સ્ટ્રીટ લાઈટો અમુક વિસ્તારમાં છે નહિ અને જે છે એ ચાલતી નથી.

શેરીઓમાં મુખ્ય રોડ બહુ ખરાબ હાલતમાં છે અને અમુક વિસ્તારમાં સીસી રોડ બન્યા જ નથી. આમ ગીર ગઢડા તાલુકો બન્યા બાદ પણ ગ્રામજનોને અનેક પ્રાથમિક સુવિધાઓ મળી નથી. ગ્રામજનો આ અંગે કોઈને ફરિયાદ કરે પણ યોગ્ય નિરાકરણ આવતું નથી. ગીર ગઢડા ગામ તાલુકો બન્યો. તેમ છતાં અહી પીવાનું પાણી ચોથા દિવસે આવે છે.

જેથી લોકોને પાણીના ટાંકામાંથી પાણી ભરવાની ફરજ પડે છે. વળી આ ટાંકાની આજુબાજુ પણ ગંદકી જોવા મળે છે. ગામમાં નવો સંપ તો બન્યો પણ કૂવામાં પાણીના તળ ઊંડા જતાં રહ્યા હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. અહી તાલુકાનું બસ સ્ટેન્ડ તો બન્યું પણ સુરત જેવા શહેરમાં જવા માટે અહીથી બસ મળતી નથી. જ્યારે રોજ ખાનગી બસ ૪ થી ૫ જાય છે.

અહી તંત્ર એ સરકારી હોસ્પિટલ મોટી બનાવી છે. પણ ડોકટરોમાં માત્ર ૩ એમબીબીએસ ડોકટર છે. જેમાંથી ૧ ડોકટર ક્યારેક જ આવે છે. હોસ્પિટલ માં ગાયનેક, એમડી અને અન્ય ડોક્ટરોની કાયમી ઘટ છે. પ્રસુતિને લાગતાં કામ માટે મહિલાઓએ ૧૮ કિમી બાજુમાં આવેલ ઉના તાલુકા સુધી લંબાવું પડે છે. જ્યારે અહી ફાયર સેફ્ટી ને લઈને પણ કોઈ વ્યવસ્થા નથી.

જેથી ગીર ગઢડા તાલુકામાં કે આજુબાજુમાં કોઈ આગ લાગવાની ઘટના બને તો ઉના તાલુકાથી ફાયર ફાઇટર મંગાવવા પડે છે. આમ આ ગીર ગઢડા તાલુકો તો છે પણ ગીર જંગલની બોર્ડર થી ૪ કિમી દૂર હોવાના લીધે આ ગામનો ઔધોગિક વિકાસથી શકતો નથી. ગીર ગઢડા ગ્રામ પંચાયત ગંદકીથી ભરેલું છે. અહી ગ્રામ પંચાયતમાં જ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા નથી.

જેથી અહી પંચાયતના પટાંગણની દીવાલો ઉપર શૌચ કરીને ગંદકી ફેલાવે છે. આ ૧૦ -૧૦ જેટલા વર્ષો વીતી ગયા બાદ પણ આ ગીર ગઢડા ગામના લોકોને પાણી,ગટર અને રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટો જેવી પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે? ઉના સિવાય અન્ય તાલાલા, કોડીનાર તાલુકાને જોડતા રોડ અતિ બિસ્માર હાલતમાં છે. આમ ગીર ગઢડાને તાલુકાનો દરજ્જો મળ્યો પણ તાલુકા કક્ષાની સગવડતા ક્યારે મળશે..?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.