ખાડિયામાં દેસાઈ અને હવેલીની પોળમાં હેરિટેજ મિલ્કતો તોડી બની રહેલ રહેણાંક સ્કીમ
ઐતિહાસિક મિલ્કત રી-સ્ટોર કરવાની મંજુરી મેળવી તેના સ્થાને થઈ રહેલ રહેણાંક/કોમર્શિયલ
( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, અમદાવાદ શહેરને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટીનું બિરુદ મળ્યું છે. પરંતુ મ્યુનિસિપલ શાસકો અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના કારણે હેરિટેજ મિલકતોની યોગ્ય જાળવણી થતી નથી. શહેરમાં મોટાભાગની હેરિટેજ મિલ્કતો ખાડિયા વોર્ડમાં છે.
પરંતુ આ વોર્ડમાં સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ એસ્ટટ અને હેરિટેજ વિભાગના અધિકારીઓની મિલીભગત ના કારણે હેરિટેજ મિલ્કતોના સ્થાને રહેણાંક કે કોમર્શિયલ પ્રકારના બાંધકામ થઈ રહ્યા છે.તેવી જ રીતે જુના મકાનો તોડીને પોળોની સંસ્કૃતિ પણ નામશેષ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ના ખાડિયા વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી હેરિટેજ મિલ્કતોને નામશેષ કરવાનું અભિયાન ચાલી રહ્યું હોય તેમ લાગે છે. હેરિટેજ મિલ્કતો તોડી શહેરના વારસા ને ઉજ્જડ બનાવવાનું કામ સ્થાનિક રાજકીય અગ્રણીઓ જ કરી રહયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ઐતિહાસિક મિલ્કતો ની જાળવણી થાય તે માટે ખાસ કમિટી બનાવી છે પરંતુ આ કમિટીને પણ રાજકીય રંગ લાગી ગયો છે.
નિયમ મુજબ હેરિટેજ મિલ્કતો ને મરામત કરાવવી હોય તો કમિટીની મંજૂરી લેવી ફરજીયાત છે.તેમજ કમિટી તરફથી આપવામાં આવેલી સૂચના મુજબ જ રીપેરીંગ કામ કરવું પડે છે પરંતુ આ નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે રાજકીય નેતાઓ માટે આવા કોઈ જ નિયમો નો અમલ કરવો જરૂરી નથી તેમ મ્યુનિસિપલ અધિકારીઓ માની રહ્યા છે જેના કારણે જ ઐતિહાસિક હવેલીઓના રીપેરીંગ માટે મંજુરી માંગી તેના સ્થાને બહુમાળી રહેણાંક/ કોમર્શિયલ મિલ્કતો બની ગઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
ખાડિયા વોર્ડના જાગૃત નાગરિકો ના જણાવ્યા મુજબ હેરિટેજ મિલ્કતો રીપેર/ રિસ્ટોર કરવાના ઓથા હેઠળ નવી બહુમાળી બિલ્ડીંગ બની રહી છે. વોર્ડ ના આવેલી દેસાઈની પોળમાં હેરિટેજ હવેલી રિસ્ટોર કરવાના પ્લાન મંજુર કરાવી તેના સ્થાને ઓખા ભગત નામથી રહેણાંક સ્કીમ બની ગઈ છે તેવી જ રીતે હવેલીની પોળમાં એક હેરિટેજ મિલકત રી સ્ટોર કરવાની મંજૂરી મેળવી તેના સ્થાને રહેણાંક સ્કીમ નું કામ ચાલી રહ્યુ છે.
આ બને બાંધકામ માં સ્થાનિક રાજકીય નેતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોવાથી મ્યુનિસિપલ વહીવટી તંત્ર સ્વમાનના ભોગે સહકાર આપે છે અહીં બીજી ચિંતાજનક બાબત એ છે કે હેરિટેજ મિલ્કતો તો તૂટે જ છે પરંતુ જે લોકો આ ફલેટ ખરીદી કરે છે તેમની અને પોળના અન્ય રહીશોની જિંદગી સાથે પણ ચેડા થાય છે. જેના મુખ્ય કારણ એ છે કે માત્ર બે-ત્રણ મહિનામાં જ સ્કીમ તૈયાર થતી હોવાથી બાંધકામ ની ગુણવત્તા જળવાતી નથી.
ગેરકાયદેસર બાંધકામ થયા હોવાથી બી.યુ.મળતી નથી તેમજ નાના પ્લોટ એરિયામાં બાંધકામ કરવામાં આવ્યું હોવાથી પાર્કિંગ પણ આપવામાં આવતા નથી. આ ઉપરાંત મકાન દીઠ પાણીનું એક જ જોડાણ મળતું હોવાથી 20 કે 24 સભ્યો એક કનેક્શન પર જ નિર્ભર રહે છે તેથી મોટરિંગ થાય છે જેનો ભોગ પોળના અન્ય રહીશો પણ બની રહ્યા છે.
ખાડિયા વોર્ડમાં આવા ગેરકાયદે ફ્લેટ 1બી એચ કે રૂ 25 લાખ અને 2 બી.એચ.કે.રૂ.35 લાખ ના ભાવથી વેચાણ થાય છે.આટલી મોટી રકમ આપ્યા બાદ પણ નાગરિકો ને સુવિધા મળતી નથી. વોર્ડમાં દેસાઈ ની પોળ અને હવેલીની પોળ ઉપરાંત શામળા ની પોળ, ઘાંચી ની પોળ અને માંડવીની પોળમાં હેરિટેજ મિલકતોના ભોગે કોમર્શિયલ બાંધકામ થઈ રહયા છે.