Western Times News

Gujarati News

‘ઈચ્છા માત્ર દુઃખનું મૂળ છે.’ દુઃખનું મૂળ શોધવાના અનેક પ્રયત્નો થાય તે સ્વાભાવિક છે

પહેલું દુઃખ તે પત્ની માંદી

આપણા દેશમાં ગૌતમ બુદ્ધ નામના મહાપુરુષ થઈ ગયા. એમણે ગૃહત્યાગ કરેલો અને દુઃખનું મૂળ શોધવાનું સંશોધનકાર્ય આરંભેલું. સુજાતાએ માનતા પૂરી કરવા ખીર ખીવડાવતાં એ અતિશય ભૂખ્યા માણસને જ્ઞાન થયેલું કે જીવન ટકાવવા ખોરાક જેવો કોઈ ઉત્તમ ઉપાય નથી અને ખૂબ ચિંતાના અંતે શોધી કાઢેલું કે ‘ઈચ્છા માત્ર દુઃખનું મૂળ છે.’ દુઃખનું મૂળ શોધવાના અનેક પ્રયત્નો થાય તે સ્વાભાવિક છે.

‘હું દુઃખી, તો પુત્ર પણ ભલે દુઃખી થાય, અનુભવી થાય’ એવી સદ્‌બુદ્ધિથી પ્રેરાઈને મારા પરમ કૃપાળુ પિતાએ મને સંસારમાં ધકેલ્યો. ત્યારે ગૃહત્યાગ કરી દુઃખનું મૂળ શોધવાનો વિચાર આવેલો, પણ સંસારની બહાર દુઃખ ઓછું છે અને જો ખરેખર દુઃખનું મૂળ શોધવાની શુદ્ધ દાનત હોય તો સંસાર જે દુઃખથી ભરેલો છે, તેમાં જ રહીને દુઃખનું મૂળ શોધવાનો પ્રયત્ન થવો જોઈએ એવો વિચાર આવતાં ગૃહત્યાગનો વિચાર મંદ પડી ગયેલો.

મારા ભાગ્યમાં મહાન થવાનું લખાયેલું નહીં, એટલે મારે બોધિવૃક્ષ નીચે બેસવાનો કે ખીર ખાવાનો સમય આવ્યો નહીં. પણ, મારા સદ્‌ભાગ્યે ઘરના ઓટલે લમણે હાથ દઈને બેસતાં અને સાંજની વધેલી ટાઢી ભાખરી, ચા સાથે ખાધા પછી મને જ્ઞાન થયું કે, જગતમાં પહેલું દુઃખ એન સર્વ દુઃખોનું મૂળ માંદી પત્ની છે. જગતમાં અનુભવ જેવું કોઈ જ્ઞાન નથી અને ‘પહેલું દુઃખ તે પત્ની માંદી’ એ અનુભવસિદ્ધ હકીકત હોવાથી કોઈએ શંકા રાખવાની જરૂર નથી.

રોગી, વૃદ્ધ, મડદું અને સંન્યાસીને જોતાં સિદ્ધાર્થ જેવો ભલો માણસ ફફડી ગયેલો. એને ફફડાવવા અને ગૃહત્યાગ કરાવવા યશોધરાને સદાકાળ માંદી રાખી હોત તો ઘરમાં જ એ દુઃખનાં દર્શન કરી શક્યો હોત.

આ જગત અજ્ઞાની લોકોથી ભરેલું છે અને જ્ઞાનીઓ તો થોડા જ છે એવું મનાયું છે, પણ મને વિપરીત દેખાય છે. આ જગત જ્ઞાનીઓથી ભરેલું છે, અને અજ્ઞાનીઓ છે તે જ જ્ઞાનની શોધમાં કુટાય છે. બાકી જન્મે છે તેનું મૃત્યુ છે જ.

શરીર છે, તેથી અનેક રોગ થવાના જ. વૃદ્ધાવસ્થામાં ગાત્રો શિથિલ થવાનાં અને કેડ નમી જવાની. મરવાની ઈચ્છા ન હોવા છતાં મરવું તો પડશે જ. આ બધું જે જાણે છે તે જ્ઞાની છે અને જે જાણતો નથી તે અજ્ઞાની છે.

‘મારી પત્ની તરફ હું પ્રેમાળ છું અને જગતમાં મારા જેવો કોઈ પતિ થયો નથી અને થશે નહી’ તેવી મારી માન્યતા અજ્ઞાનથી ભરેલી હતી તેનો ખ્યાલ મને લગ્ન બાદ, જયારે હું પત્ની સાથે મારી સાસરીમાં ગયો ત્યારે સમજાયું. સાસુ, સસરા, સાળી, સાસરીના સગા ંઅને આડોશી-પાડોશીઓએ મને ઠપકો આપ્યા કર્યો ઃ ‘જમાઈરાજ! તમારે ત્યાં ખાવાનું ખૂટી ગયું છે ? બહુ કંજૂસાઈ કરો છો ? અમારી દીકરીને સૂકવી નાખી, ખરા છો તમે તો !” આ અદ્‌ભુત જ્ઞાન થતાં મને સમજાયું કે, ‘મારી કૃશકાય પત્ની માંદી છે અને એને પુષ્ટ કરવાની જરૂર છે, તે એટલે સુધી કે એનો ભાર એના પગ ઉપાડવાની ના પાડે તો જ તે સ્વસ્થ ગણાય ?’

એવું કહેવાય છે કે દુનિયા જયારથી બની છે ત્યારથી પત્નીઓને માંદા પડવાની ટેવ પડી છે. એટલે સ્વાભાવિક છે કે મારે ફાળે જે પત્ની આવે તે પણ માંદી જ હોય અને છે. પત્નીઓ પોતાની માંદગીનું પહેલું કારણ એના પતિને ગણાવે છે. બાકી, પિયરમાં તો એ છલાંગો ભરતી હરિણી જેવી હતી. પણ જયાં એ સાસરીમાં પગ મૂકે છે કે તરત માંદગીનો અમલ શરૂ થઈ જાય છે.

નવો નવો પરણેલો યુવાન એનો પતિ; બિચારો નવી આવેલ વહુની અવનવી ચેષ્ટાઓ જોઈને ગભરાઈ જાય છે. એ કોને પૂછે ? મા કે ભાભીને કંઈક વાત કરે તો બધાં એની વાતને હસી કાઢે છે. વહુ એના પિયરને યાદ કરીને રડે છે. માની પાસે હતી, ત્યારે તે ઉઘવું હોય ત્યારે ઉંઘતી અને જાગવું હોય ત્યારે જાગતી; જયારે અહીં સાસરીમાં પતિ આવે નહીં ત્યાં સુધી જાગવું પડે, પછી ઉંઘે નહી ત્યાં સુધી જાગવું પડે અને એ જાગે ત્યારે ઉંઘવું હોય તો ય જાગવું પડે. નિરાંતે ઉંઘી ન શકતી પત્ની બિચારી માંદી ન રહે તો બીજી કઈ રીતે રહે ?

મારી પત્નીનું સ્વાસ્થ્ય, આમ જોવા જઈએ તો સારું ગણાય, કારણ કે ખડખડાટ હસી શકે છે, ખાવાપીવામાં કોઈનાથી પાછી પડતી નથી અને જયારે જયારે ઓરડામાં નજર નાખું છું, ત્યારે ત્યારે સૂતેલી જ દેખાય છે. હું પાસે જઈને નમ્રતાથી પૂછું ઃ ‘તારી તબિયત તો બરાબર છે ને ? તરત ઉતર મળે ઃ ‘માથામાં ધીમું ધીમું દર્દ થાય છે, શરીર તૂટે છે અને જીર્ણજ્વર પણ છે.’ માથું દુઃખવું કે પેટમાં ચૂંકવું એ એવો રોગ છે જેનું નિદાન કોઈ હકીમ કે ડોકટર કરી શકતો નથી.

એક્સ-રે પણ આ દર્દનું ચિત્ર ઉતારવામાં લાચારી અનુભવે છે. ‘શરીર તૂટે છે’ એમ પત્ની કહે ત્યારે શું સમજવું ? શરીરનું તૂટવું એ વૃક્ષની ડાળી તૂટવા જેવું તો છે નહીં, કારણ કે તેમાં તો ડાળી તૂટે અને જોનારા જોઈ શકે કે, આ ડાળી તૂટી. હવે જીર્ણ જ્વરની વાત રહી. તાવ અંગે મેં શંકા દર્શાવી, તો પત્નીએ કહ્યું ઃ ‘લ્યો, તમે જ જોઈ લો ને ? મેં એનો હાથ પકડ્યો તો ઠંડો હિમ જેવો લાગ્યો. પત્નીને સંતોષ થાય અને ખોટું ન લાગે તેમ, મેં કહ્યું ઃ ‘તને જીર્ણજવર નથી, પણ શીતજ્વર હોય તેવું લાગે છે.’

મારી નાજુક પત્ની માંદી હોવાનો ઢોંગ કરે છે એવો વહેમ મને પડતો હતો. કદાચ ઘરકામ કરવા તરફની એની ઉદાસીનતા. એક કારણ હોય. દેશમાં સર્વવ્યાપી બનેલો કર્મચારીનો ચેપીરોગ એને લાગુ પડતો જતો હોય તેવી તેની રીતભાત જણાતી. વળી મારા અનહદ પ્રેમની કસોટી કરતી હોય તેવું મને લાગ્યા કરતું. રોદણાં રડવાની ટેવ પડી ગઈ હોય તેવી વ્યક્તિ છેવટે રોતલ બની જાય છે,

તેમ શરૂઆતમાં કામથી છટકવા ફરતી મારી પત્ની, ખરેખર ડોકટર માંદગીનું પ્રમાણપત્ર આપી શકે એવી માંદી પડી ગઈ. હું છેવટે પતિ હતો અને એ લાયકાત ટકાવી રાખવા, ડોકટર એક દવા લખી આપે તો હું દશ લાવીને મૂકતો હતો. ડોકટરો બદલતો હતો. મારી પત્ની ડોકટરને એની જીભ બતાવે કે હું દવાઓ લાવી આપું, તેથી જ કાંઈ એનો રોગ જાય તેમ ન હતો. હું દવા કપમાં રેડી,

બીજા હાથમાં શુદ્ધ પાણીનો પ્યાલો લઈ ઉભો રહું નહીં ત્યાં સુધી, તે દવા પીતી નહીં. મોં કટાણું કરતી અને એકાદ ઘૂંટડો પીને થૂથૂ કરતી, એમ કરતાં અડધી દવા પેટમાં જતી અને અડધી દવા મારા વસ્ત્રોને ભીંજવતી. ઉપરાંત માંદી પત્ની બોલતી ઃ ‘દવા ખૂબ કડવી છે, તમારા હાથે તો હું ઝેર પણ પી જાઉં;’ ન કરે નારાયણ અને આ માંદી પત્ની જો સ્વધામ પહોંચી જાય તો સાંભળનારા તો એવું જ અનુમાન કરે કે એના પતિએ એનાથી છુટકારો મેળવવા સ્વહસ્તે ઝેર આપ્યું હશે !

ખરેખર તો મારી પત્ની માંદી નથી હોતી, પણ વારંવાર માંદગીની નોટિસ આપીને મને એ હેરાન કરવામાં પ્રવૃતિશીલ રહે છે. એ જાણવા માગતી હોય છે કે, પોતે જયારે માંદી હોય ત્યારે પોતાનો કહેવાતો પતિ શું કરે છે ? કેવી રીતે વર્તે છે ? કેટલો દુઃખી થાય છે અને કેટલી હમદર્દી બતાવે છે ? એ જાણીને પછી પતિ પોતે માંદો પડે ત્યારે કેટલા પ્રમાણમાં એની સેવા કરવી, સેવા કરવી કે નહીં, એને આ પૃથ્વી પર ટકવા દેવો કે નહીં, કદાચ આનો નીર્ણય એ કરવા માગતી હોય ? ‘પત્ની માંદી છે’ એ જાણ્યા પછી પતિના મુખ પર કોઈ ચિંતાની નિશાની એના જોવામાં ન આવે તો પતિ કેટલો નીચ છે તેનો તેને ખ્યાલ આવે છે અને એવા શુદ્ધને પોતે કેવો ને કેટલો હેરાન કરી શકે છે તેનો આનંદ તેના મુખ પર પ્રગટ કરે છે.

હું નાની નાની માંદગીની વાત કરું, જે ખરેખર કોઈ મહત્વ ધરાવતી નથી, પણ પતિને ઉંચોનીચો કરવા જ તે ક્રમબદ્ધ યોજવામાં આવે છે. સવારના પહોરમાં મારી માંદી દેખાતી પત્નીએ કહ્યું ઃ ‘આજે તો મારું માથું ભારે ભારે લાગે છે.’ મેં વિચાર્યું ઃ ‘માથું ભારે છે ત્યાં સુધી ઠીક છે, પગ ભારે થાય તો તો આફત,’ પછી કહ્યું ઃ ‘ઘરમાં એસ્પ્રીરીન, કોડોપાઈરીન અને એનેસીનની ગોળીઓ પડી જ છે, ખાઈ લે’ પણ તે ખાશે નહી, પણ કહેશે ઃ ‘મારે તો સુદર્શન ચૂર્ણ ખાવું છે,

તેનાથી જ મને મટશે!’ હું દોડતો જઈને ચૂર્ણ લઈ આવું છું. દવા કડવી લાગતાં ડબ્બો પડ્યો રહે છે. ઉધરસ થવાની ફરિયાદ કરે તો કહું છું ઃ ‘આપણી પાસે ખદિરાવટી છે, એ ઠીક રહેશે’ તો કહે છે ઃ ‘મારે તો જેઠીમધવાળી વિક્‌સની ગોળીઓ ખાવી છે.’ વિક્‌સની ગોળીઓ મોંમાં ઓગાળ્યા કરે અને મારી સામે ત્રાંસી આંખે જોયા કરે. શરદી થાય ત્યારે કહું છું ઃ ‘વિક્‌સ લગાવ કે અજમો-વિક્સ નાખીને નાક વાટે તેની વરાળ લે.’ ત્યારે માંદી પત્ની નાક ફુલાવી કહે છેઃ ‘મને તો આઈસ્ક્રીમ લાવી આપો, મને એ માફક આવશે.’ં

એક વાર મારી માંદી પત્નીએ મને પ્રશ્ન કર્યો કે, ‘આ ઈન્ફલૂએંઝા કઈ જાતની બીમારી છે?’ મેં કહ્યું ઃ એ જાપાનથી હવાઈ માર્ગે આવેલ છે અને ભારતમાં ઉડીને એકબીજાને વળગેલ છે.’ પત્ની કહે ઃ હં ત્યારે, એ દેશી બીમારી નથી, પણ વિદેશી બીમારી છે. મેં કહ્યું ઃ ‘આમ તો એને વિદેશી કહી શકાશે નહી, કારણ કે જમાં નવા સંશોધનો વિષે આપણેકહીએ છીએ કે એ તો અમારા પુરાણાં શાસ્ત્રોમાં હતા જ.

જેમકે, રામચંદ્ર એરોપ્લેનમાં લંકાથી અયોધ્યા આવેલા, સંજયે કૃતરાષ્ટ્રને રેડિયો કે ટેલિવિઝન પર જ મહાભારતનું યુદ્ધ બતાવેલું, મહર્ષિ નારદની ઉંચી જટામાં એરિયલ રહેતું અને દુનિયાભરના સમાચાર તે જાણી લેતા. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરેલો તે અણુશસ્ત્ર હતું અને મહાભારતમાં એકધ્ની અને સહસ્ત્રધ્નીની વાત આવે છે તે બંદૂક અને તોપની જ વાત છે.

તે જ પ્રમાણે આપણા વૈદોએ ચરક-સુશ્રુતમાંથી શોધ કરીને આ વિદેશી બીમારીના મૂળ પણ આપણે ત્યાં જ હતાં તે શોધી કાઢયું છે. પત્ની કહે ઃ ‘એનાં લક્ષણો કેવાં હોય ? મેં કહ્યું, ‘પ્રિયે ! એમાં રોગી પહેલાં માથું દુખ્યાની વાત કરે છે, પછી પાસું ફરીને પલંગમાં સુઈ જાય છે અને કોઈ બોલે કે મનાવે તોય વાત કરે નહીં અને શરીર તૂટવાની ફરિયાદ કર્યા કરે.

‘પત્ની કહે ઃ ‘તમે મારી મજાક કરો છો?’ મેં કહ્યું ઃ મજાક નહીં, રોગના લક્ષણો જ એવાં છે. જોકે આ રોગમાં ચા પીવાથી એનું જોર ઓછું થાય છે અને સિનેમા જોવાથી મટી જાય છે. એમ ન કરો તો રોગીને આરામ કરવા દેવામાં આવે, એને દિલદુઃખ થાય તેવું સંભળાવવામાં ન આવે, અને એની માંગણીઓ પૂરી કરવામાં આવે, તો અવશ્ય મટે.’ મારી માંદી પત્ની કહે. ‘તમે મારી હળવા શબ્દોમાં મશ્કરી કરો છો?’ મેં કહ્યુંઃ ‘ના, ના, મારી શી તાકાત કે તારી મશ્કરી કરી શકું !’

હમણાંની મારી માંદી પત્ની ચિડિયલ બની ગઈ છે. પડે ગધેડા પરથી અને ગુસ્સો ઉતારે કુંભાર પર. એમ મારો વાંક ન હોવા છતાં છણકા કર્યા કરે. ખાટા ઓડકાર ખાય, ઉબકા આવે, કોઈ વાર વમન કરે. મેં પૂછયું, ‘કોઈ માંદગી છે ? તે કહે ઃ સમજી જાવને? મને મંદમંદ હસતી, નવ મહિના બીમાર રહી. હોસ્પિટલમાં લઈ જવી પડી. ત્યાં, એની સારી સારવાર થયા પછી નર્સે મને કહ્યું ઃ બાબો આવ્યો, અભિનંદન !

પત્ની પલંગમાં સૂતી હતી.. એની નજર પૂછી રહી હતી ઃ ‘આ દુઃખની દુનિયામાં કોઈ દવા છે?’ મેં પેંડાનું ખોખું ખોલી, આખો પેંડો સ્વહસ્તે પત્નીના મુખમાં મૂકયો. ‘પહેલું દુઃખ તે પત્ની માંદી’ એ ખરું છે, પણ આ રીતે જો પત્ની માંદી પડે તો પુરુષના જીવનમાં ‘પહેલું સુખ તે પત્ની માંદી’ એ પણ એટલું જ સાચું જણાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.