Western Times News

Gujarati News

૨૦૦ ટકા વરસાદ છતાંય દબાણોએ ભુજના હૃદય સમાન હમીરસર તળાવને રૂંધી નાખ્યું

અમદાવાદ, કચ્છ એક સુકો રણપ્રદેશ છે અને માટે જ અહીંના લોકો સહિત રાજા રજવાડાઓ પણ પાણીની અહેમિયત સમજતા. જિલ્લાના મુખ્યમથક ભુજના વચ્ચોવચ આવેલું હમીરસર તળાવ ફક્ત તેના સ્થાનના કારણે જ નહીં પરંતુ લોકલાગણીઓ થકી ભુજના હૃદય સમાન બની ગયું છે.

સૂકા પ્રદેશમાં અનિયમિત વરસાદ હોતાં પણ આ તળાવ માત્ર ૧૦ ઇંચ વરસાદમાં જ છલકાઈ જતું પરંતુ હવે ૮૦ ઇંચ વરસાદ વરસવા છતાંય તળાવ છલકાતું નથી.

સાડા ચાર સદી જુનું હમીરસર તળાવ તે સમયના રાજવી રાઓ ખેંગારજીએ બંધાવ્યું હતું અને તેમના પિતા રાઓ હમીરજીના નામે તેને હમીરસર નામ આપ્યું. સદીઓથી આ તળાવે પણ કચ્છના સારા અને નરસા સમયમાં અહીંના લોકોને પાણી પૂરું પાડ્યું છે.

આ તળાવનું બાંધકામ એ રીતે કરાયું હતું કે જે વર્ષે ભુજમાં વરસાદ ઓછો પડે તો ઉપરવાસના વિસ્તારથી પાણી યોજનાબદ્ધ રીતે બનાવાયેલી આવ થકી હમીરસરમાં પહોંચે છે. આ ઐતિહાસિક તળાવની સાથે માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાભરના લોકોની લાગણીઓ બંધાયેલી છે અને માટે જ આ તળાવ છલકાય એ પળ પણ સૌ માટે ખુશીનો પળ બને છે.

શ્રાવણમાં દિવાળી આવી હોય તે રીતે અહીં ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિથી તળાવના વધામણાં થાય છે. ત્યારે આખું શહેર હમીરસરના કિનારે ભેગું થાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ શહેરમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવે છે, જેમાં માત્ર જનગરપાલિકા નહીં પરંતુ જિલ્લા કલેકટર કચેરી સહિત દરેક સરકારી વિભાગોને રજા આપવામાં આવે છે.

આ વર્ષે ભુજમાં ૮૪.૫ ઇંચ વરસાદ વરસ્યો છે, જે પૂરી સીઝનનો ૨૦૫ ટકા છે. અગાઉ જે તળાવ માત્ર ૧૦ થી ૧૫ ઇંચમાં ભરાઈ જતો તે તળાવ હવે ૮૦ ઇંચમાં પણ ભરાતું નથી. આ વર્ષે કચ્છભરમાં શ્રીકાર વરસાદથી અનેક તળાવો અને નાના મોટા ડેમ ઓવરફ્લો થયા છે.

પરંતુ જેની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે તે હમીરસર તળાવ ભરાવવામાં હજુ પણ ચાર ફૂટ જેટલો અંતર બાકી છે. ભુજ શહેર તેમજ આસપાસમાં આવેલી આ તળાવની આવ પર અને તેની આસપાસ છેલ્લા થોડા વર્ષોમાં ઊભા થયેલા દબાણ આ પાછળનું મુખ્ય કારણ હોય તેવું સૌ કોઈ જણાવી રહ્યા છે.

પર્યાવરણપ્રેમીઓ પણ આ માટે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે તો સાથે જ નગરપાલિકા દ્વારા પણ આ વર્ષે તળાવની આવને અવરોધતા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.