Western Times News

Gujarati News

પાંચ વાર નસબંધી છતાં મહિલા અઢી વર્ષમાં ૨૫ વખત માતા બની

આગ્રા, યુપીના આગ્રાથી એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ પાંચ વખત નસબંધી કરાવી હતી તેમ છતાં અઢી વર્ષમાં ૨૫ વખત માતા બની હતી. એટલું જ નહીં, મહિલાને રૂ. ૪૫૦૦૦ પણ ચૂકવવામાં આવ્યા હતા. જો કે, આ બધુ જનની સુરક્ષા યોજના અને સ્ત્રી નસબંધી પ્રોત્સાહન યોજનામાં થયેલા કૌભાંડને કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

આરોગ્ય વિભાગે આગ્રાના ફતેહાબાદના સીએચસીનું નિયમિત ઓડિટ કર્યા બાદ આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ડોક્યુમેન્ટમાં એક મહિલાના નામે ૨૫ ડિલિવરી અને પાંચ નસબંધી દર્શાવવામાં આવી હતી આ જોઈને ઓડિટ ટીમ ચોંકી ગઈ હતી.

એટલું જ નહીં, મહિલાને રૂ. ૪૫૦૦૦ પણ ચૂકવાયા હતા. આ પાછળ એક દલાલનું નામ પ્રકાશમાં આવ્યું છે, જે મહિલાઓ માટે ખાતા ખોલે છે. નામ, સરનામું અને એકાઉન્ટ નંબર મહિલાઓના હોય છે પણ તેમાં મોબાઇલ નંબર બ્રોકરનો હોય છે. જ્યારે લાભાર્થીના ખાતામાં પૈસા આવે છે ત્યારે બ્રોકર તેને ઉપાડી લે છે.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩નું ઓડિટ કરવામાં આવ્યું હતું.

જેમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ જનની સુરક્ષા યોજના અને સ્ત્રી નસબંધીમાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સીએચસી ફતેહાબાદના ઓડિટ દરમિયાન ટીમને અનેક વખત સીકરારાના રહેવાસી લાભાર્થી કૃષ્ણા કુમારીનો રેકોર્ડ મળ્યો હતો.

જેમાં છેલ્લા અઢી વર્ષમાં મહિલાની ૨૫ ડિલિવરી અને પાંચ નસબંધી દર્શાવવામાં આવી હતી.આરોગ્ય વિભાગને આ વાતની જાણ થતાં સીએમઓ ડૉ. અરુણ શ્રીવાસ્તવે તપાસના આદેશ આપ્યા હતા. આ દરમિયાન મંગળવારે તેઓ તેમની ટીમ સાથે ફતેહાબાદ પહોંચ્યા હતા.

કૃષ્ણા કુમારીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેને બેંક એકાઉન્ટ પણ નથી. ઘણા વર્ષાે પહેલા એક વ્યક્તિએ તેનું ખાતું ખોલાવ્યું હતું. તપાસ દરમિયાન એકાઉન્ટ નંબર સાથે જોડાયેલો ફોન નંબર કૃષ્ણા કુમારી નહીં પરંતુ દલાલનો હોવાનું જાણવા મળ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.