Western Times News

Gujarati News

‘જાટ’ ખાસ ન ચાલવા છતાં સની દેઓલે ‘જાટ ૨’નું એલાન કરી દીધું

મુંબઈ, સની દેઓલની ગોપીચંદ માલિનેનીએ ડિરેક્ટ કરેલી ‘જાટ’ને બોક્સ ઓફિસ પર ઠીક ઠાક પ્રતિસાદ મળ્યો છે. ૧૧ એપ્રિલે આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણદીપ હુડાએ વિલનનો રોલ કર્યાે છે અને રેજિના કાસાંદ્રા, વિનીત કુમાર સિંઘ તેમજ સૈયામી ખેર મહત્વના રોલમાં છે.

શુક્રવારે સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્‌સ પર ‘જાટ ૨’ની જાહેરાત કરી હતી, હજુ પહેલી ફિલ્મ રિલીઝ થઈ એને એક જ અઠવાડિયું થયું છે, તેણે આ ફિલ્મને પહેલો ભાગ ગણાવ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી પણ નથી, ત્યારે ‘જાટ ૨’નું કામ પણ શરૂ થઈ ચૂક્યું હોય તો ફિલ્મ કેવી બનશે એ રસપ્રદ રહેશે.

સની દેઓલે આ જાહેરાત કરતા પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું હતું. જેની કૅપ્શનમાં તેણે લખ્યું હતું, “જાટ હવે નવા મિશન પર! જાટ ૨.”ફિલ્મનો બીજો ભાગ પણ ગોપિચંદ માલિનેની જ ડિરેક્ટ કરશે, એવો પોસ્ટર પરથી ખ્યાલ આવે છે.

માયથ્રી મુવી મેકર્સ જ આ ફિલ્મને પણ પ્રોડ્યુસ કરશે. આ સિવાય ફિલ્મની કાસ્ટ કે સ્ટોરી વિશે અન્ય કોઈ માહિતી મળતી નથી, સિવાય કે સની દેઓલ પરી જાટ તરીકે જોવા મળશે.

પહેલા અઠવાડિયાના અંતે ‘જાટ’ને બોક્સ ઓફિસ પર નેશનલ લેવલ પર માત્ર ચાર કરોડની જ આવક થઈ શકી છે. કેટલાંક અહેવાલો મુજબ ૧૬ એપ્રિલ સુધીમાં ફિલ્મમમાં દર્શકોની હાજરી માત્ર ૧૦.૨૬ ટકા જ રહી છે.

જો એ આંકડો ધ્યાનમાં લઇએ તો ફિલ્મની કુલ કમાણી ૫૭.૫ કરોડ ગણી શકાય.ગુરુવારે ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના છ દિવસ પછીના કમાણીના આંકડા વિશે ટ્‌વીટ કરી હતી. જેમાં તેમણે લખ્યું, “મંગળવાર સૌથી મહત્વનો હતો અને જાટ એ પરીક્ષા પાસ કરી લીધી છે.

ચાલુ દિવસ હોવા છતાં ફિલ્મે પોતાની પકડ જાળવી રાખી છે તેથી આ અઠવાડિયાના અંતે કમાણી લહભગ ૬૧ કરોડ સુધી પહોંચી જશે.”તેનું કારણ આપતા તેમણે લખ્યું, “શુક્રવારે ઘણી જગ્યાએ ગૂડફ્રાઇડેની રજા હતી, તેનાથી ફિલ્મના ધંધા પર અસર થઈ શકે, તેથી આ લાંબા વીકેન્ડમાં ખાસ કરીને સિંગલ સ્ક્રીન થિએટરમાં જાટ પાસે ઘણી અપેક્ષાઓ છે.

જો જાટના પહેલા અઠવાડિયાની વાત કરીએ તો ગુરુવારે ૯.૬૨ કરોડ, શુક્રવારે ૭ કરોડ, શનિવારે ૯.૯૫ કરોડ, રવિવારે ૧૪.૦૫ કરોડ, સોમવારે ૭.૩૦ કરોડ, મંગળવારે ૬ કરોડ, કુલ ૫૩.૯૨ કરોડ થયા છે.”સની દેઓલની આ પહેલાની ફિલ્મ ગદર ૨ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી.

જેમાં તેની સાથે અમિષા પટેલ લીડ રોલમાં હતી, અને જુની ગદરની યાદો તાજી કરવાની સાથે આ ફિલ્મ સની દેઓલની કમબૅક ફિલ્મ ગણાવા લાગી હતી. હવે પછી સની દેઓલ આ જ પ્રકારે લાહોર ૧૯૪૭ અને બોર્ડર ૨માં પણ કામ કરી રહ્યો છે.

ત્યારે જાટ ૨ની જાહેરાતમાં ઘણા લોકોને ઉતાવળ દેખાય છે, તો ઘણા લોકોને તે મુર્ખામી લાગે છે, કારણ કે પહેલા ભાગમાં ખાસ કોઈ કમાલ દેખાઈ નથી, તો સની દેઓલના પાક્કા ફૅન્સને બીજી ફિલ્મમાં પહેલી ફિલ્મ કરતાં વધારે અપેક્ષાઓ છે. આ ફિલ્મ આ અપેક્ષાઓ પર કઈ રીતે ખરી ઉતરે છે અને પહેલો ભાગ ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશી શકે છે કે નહીં તે જોવાનું રહ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.