ભરૂચ જિલ્લામાં વિનાશક પુરને કારણે ભારે તારાજી
અમદાવાદ, ભરૂચ જિલ્લામાં આવેલાં વિનાશક પુરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ૧ લાખ પરિવારો ૩ દિવસ ભૂખ્યાં, તરસ્યાં, અંધારપટમાં રઝડતા રહ્યાં. મામલો ગંભીર બનતા સરકારના મંત્રી કુંવરજી હળપતિ સરકારી મલમ લગાડવા આવ્યાં. ત્યારે અચાનક જનાક્રોશ ફાટી નીકળ્યો. અસરગ્રસ્ત લોકોએ મંત્રી હળપતિનો ઉધડો લીધો.
લોકોએ કહ્યું કે, તમારી ચાપલૂસી અમને ભારે પડી, જુઓ ચારેકોર તબાહી મચી છે. એક લાખથી વધુ પરિવારો આ પ્રકારે પાણી છોડવાને કારણે ૩ દિવસ ભૂખ્યાં-તરસ્યાં અંધારપટ્ટમાં રહ્યાં. અસરગ્રસ્તોએ રોકડું પરખાવ્યું, સરકારે જ નુકસાન કર્યુ છે ને હવે ક પૂછવા આવ્યા છોઃ ઘર- દુકાનોમાં જઇને જુઓ, કેવી હાલત છે.
ઉલ્લેખનીય છેકે, સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા ૧૯ લાખ ક્યુસેક પાણીના કારણે નર્મદા નદી ગાંડીતૂર બનતા ભરૂચ જિલ્લો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છેકે, ૧૭ સપ્ટેમ્બરે આ પાણી છોડાયું હતું અને તે દિવસે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ હતો. ભરૂચ જિલ્લાના અંદાજીત ૧ લાખ પરિવારોને ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા અને લાઈટ વિના પૂરના ભયાનક પાણી વચ્ચે સમય વિતાવવો પડયો તેનો જનઆક્રોશ બુધવારે જાેવા મળ્યો હતો. જેમાં પ્રભારી મંત્રી, જન પ્રતિનિધિઓ અને અધિકારીઓ લોકોના રોષનો શિકાર બન્યા હતા. ભરૂચના દાંડીયાબજાર વિસ્તારમાં પ્રભારીમંત્રી કુંવરજી હળપતિનો ઉશ્કેરાયેલા લોકોએ ઉધડો લેતાં ચાલતી પકડી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં જ રોષે ભરાયેલા યુવાન અને મહિલાઓએ ભાજપના ટોચના નેતાઓને અપશબ્દો કહ્યા હતા.
જાેકે, આ સમગ્ર મામલે મંત્રી કુંવરજી હળપતિએ ઉડાઉ જવાબ આપતા જણાવ્યુંકે, આમાં મુખ્યમંત્રીની કોઈ જવાબદારી આવતી નથી. જાણીબૂઝીને પાણી છોડ્યું નથી. પાણી છોડવું જરૂરી હોવાથી છોડવામાં આવ્યું છે. લોકોનો રોષ જાેઈને મંત્રી અને નેતાઓ તાત્કાલિક ત્યાંથી ચાલતી પકડી લીધી હતી.
લોકોએ સરકારને ગાળો ભાંડી હતી, તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નર્મદા નદીમાં આવેલા વિનાશક પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ તેની સામે પ્રજાનો આક્રોશ દિન- પ્રતિદિન વધી રહ્યો છે. પૂરના પાણી જે વિસ્તારોમાં ૧૦થી ૧૨ ફૂટ જેટલા ભરાયા હતા, તેવા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે.
આજે રાજય સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ભરૂચ, અંક્લેશ્વર, હાંસોટ અને ઝઘડીયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા. મંત્રી કુંવરજી હળપતિ ભરૂચના દાંડીયાબજાર વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે તેમને સ્થાનિક રહીશોના આકોશનો સામનો કરવો પડયો હતો.
પૂરના પાણીમાં સર્વસ્વ ગુમાવી ચૂકનાર લોકોના ટોળા મંત્રીને જાેઈ આવેશમાં આવી ગયા હતા અને મંત્રીનો ઘેરાવ કરી રોષ ઠાલવતા જણાવ્યુ હતુ કે, એક રૂપિયો પણ સહાય નહીં આવે. અમને ખબર છે. અમને પૂરના પાણીથી જે નુકસાન થયુ છે તેનાથી અમારા કુટુંબમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઈ છે.SS1MS