દેવાયત ખાવડને પણ ચૂંટણી લડી ધારાસભ્ય થવાનાં કોડ જાગ્યા છે!
એક જાહેર કાર્યક્રમ (ડાયરા)માં ઉપસ્થિત હક્કડેઠઠ મેદની જોઈને દેવાયત ખાવડ ખીલી ઊઠ્યા અને પોતાની જાતને કેન્દ્રમાં રાખીને બોલ્યા કે “બનાસકાંઠો મને બહુ પ્રેમ કરે છે.
લોકસાહિત્યના કલાકાર દેવાયત ખાવડ તેમની લોકકલા પીરસવામાં માહિર છે.તેમની અભિવ્યક્તિના અનેક ચાહકો હોય એવું પણ બને.પરંતુ કલાકારને રસથી સાંભળતા શ્રોતાઓ સીધાં જ મતદારમાં પલટાઇ જાય એવી ઘટના ભાગ્યે જ બને.આ સત્યની સમજ દેવાયત ખાવડમાં સંભવતઃ ન હોવાથી તા.૧૦/૦૬/૨૪ના દિવસે બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે યોજાયેલ એક જાહેર કાર્યક્રમ(ડાયરા)માં ઉપસ્થિત હક્કડેઠઠ મેદની જોઈને દેવાયત ખાવડ ખીલી ઊઠ્યા અને પોતાની જાતને કેન્દ્રમાં રાખીને બોલ્યા કે “બનાસકાંઠો મને બહુ પ્રેમ કરે છે.
ન કરે નારાયણ અને મને એકાદ ટિકિટ મળે તો જીતાડી દે એમ છે. મારી ઝીણી ઝીણી ઈચ્છા પણ છે ટિકિટ મેળવવાની અને ચૂંટણી લડવાની. એટલે કોક દિવસ કોક ટિકિટ આપી દે તો મારી આબરૂ રાખી લેજો હોં બાપલા.” આ સૂચવે છે કે દેવાયત ખાવડને રાજકિય મહત્વકાંક્ષા તો છે જ પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેવાયતને ટિકિટ આપે કોણ? ભા.જ.પ., કોંગ્રેસ કે આપ?આ પ્રશ્નનો જવાબ ન મળે ત્યાં સુધી દેવાયતનું સ્વપ્ન માત્ર સ્વપ્ન રહેશે હોં!
ભા.જ.પ.અને સરકારમાં હવે શું થશે? ચોમેર પૂછાતો એક માત્ર સવાલ!
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.કેન્દ્રમાં કોઈ વિવાદ વગર સરકાર પણ રચાઈ ગઈ. હવે સચિવાલયમાં એ પ્રશ્ન સતત પૂછાઈ રહ્યો છે કે ભા.જ.પ.માં અને સરકારમાં હવે શું થશે?રાજકિય નિરીક્ષકો,સિનિયર પત્રકારો અને સક્રિય રાજકારણીઓ સાથે કરેલી અનૌપચારિક વાતચીત અને ચર્ચામાંથી જે સર્વસામાન્ય જવાબ મળે છે એ એવું સૂચવે છે કે
(૧)ઃ-લોકસભાની બેઠક પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ નવું નહીં થાય(૨)ઃ-રાજકોટ અગ્નિ કાંડની રાખ ઠરે નહીં ત્યાં સુધી કોઈ પણ ફેરફાર અંગે કોઈ જ નિર્ણય નહીં લેવાય(૩)ઃ-કાયમી પ્રદેશ પ્રમુખ તાત્કાલિક નહીં નિમાય.જરૂર જણાયે પાટિલને મુક્ત કરીને કાર્યકારી પ્રમુખનું થીગડું મારીને પક્ષનું ગાડું ગબડાવાશે.
(૪)ઃ-કોંગ્રેસમાંથી પ્રધાનપદાનું વચન આપીને ભા.જ.પ.માં લવાયેલા ધારાસભ્યોને જલ્દી પ્રધાનપદ નહીં મળે.અને (૫)ઃ- પ્રધાનમંડળમાં કોઈ મોટી ઉથલપાથલ થવાની કે મુખ્યમંત્રી બદલાવાની કોઈ શક્યતા જણાતી નથી.આ પંચામૃતમાં સમગ્ર આકલન આવી ગયું હોં!
દોઢ વર્ષેય ધારાસભ્યોની પરિચય પુસ્તિકા બહાર નથી પડી!
ગુજરાતની ૧૫મી વિધાનસભાનુ ગઠન કરવા માટેની ચૂંટણી ડિસેમ્બર-૨૦૨૨મા સંપન્ન થઇ ગઈ.એ વાતને આજે દોઢ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો પરિચય આપતી પુસ્તિકા હજુ સુધી ગુજરાત વિધાનસભા સચિવાલય બહાર પાડી શક્યું નથી એ આશ્ચર્ય ઉપજાવે એવી વાત છે. શરૂઆતમાં એવું બહાનું કઢાયું કે ધારાસભ્યો માહિતી નથી આપતા!
હવે બધાં ધારાસભ્યો ની માહિતી આવી ગઇ છે તો પણ પરિચય પુસ્તિકા છપાવવા માં અસાધારણ વિલંબ થઈ રહ્યો છે.અગાઉના વિલંબ અંગે એક સિનિયર પત્રકારે (હળવાશથી) એવો અભિપ્રાય આપેલો લક્ષ્યાંક અનુસાર કોંગ્રેસી ધારાસભ્યો ભા.જ.પ. માં આવી જાય પછી વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી પુસ્તિકા બહાર પાડશે!હવે તો એ લક્ષ્યાંક પણ પાર પડી ગયો છે ત્યારે શંકર ચૌધરી આ પુસ્તિકા બહાર પાડવામાં કેમ આટલો બધો વિલંબ કરે છે એ સમજાતું નથી હોં!
જુની પ્રણાલિકાનુસાર વલસાડ કલેકટરનો ચાર્જ નિવાસી અધિક કલેક્ટરને સોંપાયો
ગુજરાત સરકારમાં અગાઉ એવી વણલખી પ્રણાલીકા હતી કે કોઈ પણ જિલ્લાના કલેક્ટર રજા પર જાય કે તેની બદલી પછી તે જગ્યા કોઈ કારણસર ખાલી રહે તો તેનો ચાર્જ નિવાસી નાયબ કલેકટરને સોંપાતો.(એ જગ્યા હવે નિવાસી અધિક કલેકટરની બની છે.)
પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી એવી(ખોટી)પરંપરા શરૂ થઈ ગઈ છે કે કલેકટર રજા જાય તો તેનો ચાર્જ જિલ્લામાં કામ કરતા અન્ય સનદી અધિકારીને સોંપવામાં આવે છે.આ પ્રણાલિકા યોગ્ય નથી.ખરેખર તો કલેકટરનો ચાર્જ ગુજરાત વહીવટી સેવાના અધિકારીને જ મળવો જોઈએ.તેઓ આ માટે પૂરતાં સક્ષમ હોય છે.
આ વાત સરકારને સમજાઈ હોય એ રીતે તાજેતરમાં વલસાડના કલેકટર નિરજ ઓકને સસ્પેન્ડ કરાતાં સામાન્ય વહીવટી વિભાગના તા.૧૦/૦૬/૨૪ના હુકમથી વલસાડ કલેકટરનો ચાર્જ વલસાડના નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.જહાને સોંપવામાં આવ્યો હોય છે.આ યોગ્યથયું છે.
કારણ કે ગુજરાત એડમીનીસ્ટ્રેટીવ સર્વિસ(ગેસ) માં પસંદગી પામેલા મોટાભાગના અધિકારીઓ બાહોશ હોય છે.અને કલેક્ટરોની સફળતા પાછળ પણ ગેસ કેડરના અધિકારીઓની મહેનતનો બહુ મોટો ફાળો હોય છે.વલસાડ જિલ્લાના કલેક્ટરના ચાર્જ નિમિત્તે એક સુંદર પ્રણાલિકા પૂનઃ શરૂ થઈ એ માટે સરકાર અભિનંદનની અધિકારી છે.પણ આ ટકશે કે નહીં એ હજું જોવું રહ્યું હોં!
શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ માટે શુકનવંતા પ્રમુખ સાબિત થયા છે
ગુજરાતના એક વિચક્ષણ અને તેજસ્વી રાજનિતિજ્ઞ શક્તિસિંહ ગોહિલને ગુજરાતનાં નિષ્ઠાવાન કોંગ્રેસી આગેવાનો શુકનવંતા પ્રમુખ માને છે.કારણકે શક્તિસિંહ ગોહિલે પ્રમુખપદ ધારણ કર્યાં પછી ભા.જ.પ.નો ગુજરાતની લોકસભાની છવ્વીસેય બેઠક જીતવાનો વિજ્ય રથ ૧૦ વર્ષ બાદ અટક્યો છે.
આ તો એક દેખીતું પરિણામ છે પરંતુ પડદા પાછળની વાત તો એવી છે કે ભા.જ.પ.નો મૂળ પ્લાન તો ગુજરાતમાં લોકસભાની ત્રણ સીટ (૧)ઃ-સુરત (૨)ઃ-રાજકોટ અને (૩)ઃ- અમદાવાદ-પૂર્વને બિનહરીફ કરાવવાનો હતો પરંતુ શક્તિસિંહ ગોહિલને તેની ગંધ આવી જતાં માઈક્રો પ્લાનિંગ કરીને તેઓએ એ પ્લાન બે બેઠક પર નિષ્ફળ બનાવ્યો હતો.
એ ઉપરાંત દરેક સીટ પાંચ લાખથી પણ વધુ મતોથી જીતવાના ભા.જ.પ.ના સ્વપ્ન સામે અમુક બેઠકો પર તો રસાકસી ભરી બની તે પાછળ પણ શક્તિસિંહનુ ચુસ્ત આયોજન જવાબદાર ગણાય છે.અત્યંત સરળ સ્વભાવ ધરાવતા શક્તિસિંહ ધરતી સાથે જડાયેલા લોકનેતા છે.કોઈ પણ વ્યસન ન ધરાવતા શક્તિસિંહ ગોહિલ અપરણિત હોવાથી પોતાનો બધો સમય પક્ષ અને સમાજને ફાળવે છે.
કોગ્રેસના કેન્દ્રિય મોવડીમંડળમાં જે માનભર્યું સ્થાન અગાઉ સદ્ગત એહમદ પટેલનું હતું તે ભવિષ્યમાં શક્તિસિંહ ગોહિલ મેળવે તો કોઈને નવાઈ નહીં લાગે હોં!