DGCAની જાહેરાત: ભારે વરસાદવાળા શહેરોના એરપોર્ટનું વિશેષ ઓડિટ કરાશે
નવી દિલ્હી, દેશનું ઉડ્ડયન રેગ્યુલેટર ડીજીસીએ ભારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા એરપોર્ટનું સ્પેશિયલ ઓડિટ કરશે. કોઝીકોડમાં વિમાન તૂટી ગયાના ચાર દિવસ પછી ડીજીસીએ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઇ અને ચેન્નાઇ સહિતના વધુ વરસાદવાળા શહેરોના એરપોર્ટનું વિશેષ ઓડિટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એએઆઇ) કોઝીકોડ સહિતના ૧૦૦થી વધુ એરપોર્ટનું સંચાલન કરે છે. જો કે દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ અને હૈદરાબાદ સહિતના અગ્રણી એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. એએઅઆઇ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ સોમવારે જણાવ્યું હતું કે કોઝિકોડ એરપોર્ટનો રનવે એન્ડ સેફ્ટી એરિયા(આરઇએસએ) ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ)ની સેફ્ટી ગાઇડલાઇનને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.