DGVCLમાં લાખોની ચોરીના કેસમાં કંપનીના બે જૂનિયર એન્જિનિયરની ધરપકડ
જે માલ સામાન સાચવવાની જવાબદારી સોંપી હતી તેને જ આ બન્ને એન્જિનિયરો ચોરી લેતા હતા
સુરત, ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.)માં વાયર સહિતનો લાખો રૂપિયાનો સામાન ચોરીના કેસમાં કંપનીના બે જૂનિયર ઈજનેર કચોર નીકળ્યા છે. કંપનીના બે જૂનિયર એન્જિનિયરોની ચોરીના ગુનામાં સુરત પોલીસે ધરપકડ કરી છે. આ બન્ને જૂનિયર એન્જિનિયરોને કંપનીએ જે માલસામાન સાચવવાની જવાબદારી સોંપી હતી તે માલ આ બન્ને એન્જિનિયરો જ ચોરી લેતા હતા.
સુરત જિલ્લાના કડોદરા ખાતે ડીજીવીસીએલના સ્ટોરમાંથી ગઈ તા.૧૭ એપ્રિલના રોજ ૬૬ કેવી સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ચોરી થઈ હતી. એલ્યુમિનિયમ કંડકટર ભરેલા વીજ તારના બે ડ્રમકની ૭ લાખથી વધુ કિંમતની ચોરી થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ કરતાં બીજું કોઈ નહીં વીજ કંપનીમાં ફરજ બજાવનાર બે જૂનિયર એન્જિનિયર જ ચોર નીકળ્યા હતા.
તપાસ દરમિયાન આ સમગ્ર ચોરીની ઘટનામાં વીજ કંપનીના જ કોઈ અધિકૃત કર્મચારી ઉપર જ પોલીસ તપાસ કેન્દ્રીત થઈ હતી. પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરતા આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વીજ કંપનીના જૂનિયર એન્જિનિયર સમીર વિનોદભાઈ સોજીત્રાએ આખું ચોરીનું નેટવર્ક ઊભું કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. સમીર સોજીત્રાએ કીમ ડિવિઝનમાં ફરજ બજાવતા જૂનિયર ઈજનેર વિકાસ જયંતીલાલ મેવાડાનો સંપર્ક કર્યો હતો.
વિકાસ મેવાડાએ આ ચોરીનો સામાન કયા કોન્ટ્રાક્ટરને આપવો તેનો આખો પ્લાન બનાવ્યો હતો. બન્ને જણા એકબીજાના મેળાપીપણામાં કડોદરાના સ્ટોરમાં મૂકેલો વીજ કંપનીનો લાખોનો માલ સામાન બારોબાર બજારમાં વેચી દેતા હતા. આ ચોરીનો માલ લેનારા તડકેશ્વરના ધવલ પટેલને પણ પકડી પાડયો છે.
સ્ટોરમાંથી સામાન કાઢતી વખતે ઈ-ઊર્જા સોફટવેરથી આઉટ પાસ કાઢવામાં આવે છે. આ પાસ હોય તો જ માલ બહાર કાઢી શકાય છે. પરંતુ સિસ્ટમની વિરૂદ્ધમાં જઈને ભેજાબાજ જૂનિયર એન્જિનિયર સમીર સોજીત્રાએ પોતે ત્યાં ચાર્જમાં હોવાથી આઉટપાસ સિસ્ટમને બદલે મેન્યુઅલ પાસ બનાવીને લાખોનો સામાન કચેરીમાંથી બારોબાર વગે કરી દેતો હતો.
જૂનિયર ઈજનેર સમીર સોજીત્રા કીમમાં માલ મોકલવાનો હોવાનું ચોપડે દર્શાવતો પરંતુ કીમ માલ પહોંચતો જ નહીં. આ તરફ કીમ તરફથી કોઈ ફરિયાદ જ થતી ન હતી. એટલે કોઈને ખબર પડતી ન હતી.