Western Times News

Gujarati News

આજે ધનતેરસ -એટલે ધનની પૂજાનો દિવસ

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી.કળીયુગમાં તો આજે ધન ભેગું કરવા માટે આંધળી દોટ મુકાય છે.આડા અવડા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે.

લક્ષ્મી પૂજન કરવાનું પ્રયોજન એટલા માટે છે કે જેનાથી આપણા ધનનો સદઉ૫યોગ થાય.આપણી સંપત્તિ પવિત્ર બને.જાે દાન-પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદ ઉપયોગ કરીશું તો આપણા ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે તેમાં કોઇ શંકા નથી.

ધનતેરસનું આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે.દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન રત્નો મળ્યા હતા તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત.આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો.

લક્ષ્મી માતા વિશે ૫ણ એક કથા છે કે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું.જેથી આ વર્ષો દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય.જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને લેવા માટે આવ્યા

પરંતુ ખેડૂતે તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ.તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.

ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ.ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી.લક્ષ્મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે.ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોઇના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ના મળે..આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી.ભારતીય દ્રષ્ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે,ગયા જન્મના યોગભ્રષ્ટ જીવાત્માઓ છે.

લક્ષ્મી ચંચળ નથી ૫ણ લક્ષ્મીવાન મનુષ્યની મનોવૃત્તિ ચંચળ થાય છે.વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે.લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન સમજનારનું ૫તન થાય છે.વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્મી,સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત, ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્મી અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્મી. -વિનોદભાઇ માછી નિરંકારી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.