શ્રમિક સહાયક હેલ્પલાઇન, નવા ૫૦ ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/arogyarath-4-1024x683.jpg)
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજાએ ગાંધીનગર ખાતેથી શ્રમિક સહાયક હેલ્પલાઇન તથા નવા ૫૦ ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ અને ‘સંપૂર્ણ તબીબી તપાસ યોજના’નો શુભારંભ કરવાતાં જણાવ્યું હતું કે, શ્રમયોગીઓ ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યની આધારશિલા છે.
આ કરોડરજ્જુ સમાન શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર હરહંમેશ કાર્યરત છે. રાજ્ય સરકારે તેમના માટે ગો ગ્રીન, શ્રમ નિકેતન, અન્નપૂર્ણા યોજના, અનુબંધમ પોર્ટલ વગેરે જેવી કલ્યાણકારી યોજાનાઓ અમલમાં મૂકી છે. તેમાં આજે નવા ત્રણ આયામોનો ઉમેરો થયો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જે રાજ્યમાં શાસનની સ્થિરતા, સુશાસન અને શાંતિ હોય તેવું રાજ્ય જ અવિરત વિકાસ કરી શકે છે. ભગવાન ધન્વંતરિના પ્રાગટ્યદિન ધનતરેરસના બે દિવસ પહેલા બિલ્વપત્રના ત્રણ પવિત્ર પાંદડા સમાન મહત્વના ત્રણ પ્રકલ્પોનો આજે પ્રારંભ થઈ રહ્યો છે તે રાજ્યના શ્રમયોગીઓ માટે ગૌરવનો દિવસ છે.
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારી બાદ શ્રમિકોને મદદ કરવા માટે એક હેલ્પલાઈન હોવી જોઈએ. ત્યારબાદ EMRIના સહયોગથી ‘શ્રમિક સહાયક હેલ્પલાઇન–૧૫૫૩૭૨’ શરૂ કરવામાં આવી છે.
આ હેલ્પલાઈનમાં એક જ રિંગમાં કોલ એટેન્ડ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેથી તમામ શ્રમિકોને ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા તેમના પ્રશ્નો-ફરિયાદના યોગ્ય નિરાકરણનો પૂર્ણ વિશ્વાસ સ્થાપિત થશે. હેલ્પલાઇન–૧૫૫૩૭૨ મારફતે શ્રમિકોને શ્રમ કાયદાઓ સંબંધી ફરિયાદનાં નિવારણ તથા શ્રમિકોના કલ્યાણ વિષયક યોજનાઓની માહિતી દ્વારા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સંપૂર્ણ તબીબી તપાસ યોજના’ હેઠળ બાંધકામ શ્રમિકો તથા સંગઠિત ક્ષેત્રનાં શ્રમિકો અને તેમના પરિવારજનોને ઘરઆંગણે પ્રાથમિક તબીબી સારવાર મળી રહે, તે માટે શ્રમિકોનાં પ્રિવેન્ટીવ ચેક-અપ તથા આરોગ્ય પુન:સ્થાપનના પગલાઓ શરૂ કરવાનો આશય છે.
આ માટે દરેક શ્રમિકને કોઇ પણ રોગના પ્રારંભિક તબક્કે નિદાન માટે નિયમિત રૂપે ડોક્ટરી, પેથોલૉજી, રેડિયોલૉજી તથા કાર્ડિયોલૉજી જેવી પ્રાથમિક તબીબી તપાસના હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંપૂર્ણ તબીબી તપાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત લોહી, કોલેસ્ટ્રોલ, એક્સ-રે વગેરે જેવી કુલ-૧૭ પ્રકારની તબીબી તપાસ આવરી લેવાઈ છે. આ યોજના હેઠળ એમ્પેન્લ્ડ થયેલ હોસ્પિટલ કે સંસ્થા દ્વારા સાઇટ કે હોસ્પિટલ પર નિયત કરેલ ટેસ્ટ કરવામાં આવે છે.
આ ઉપરાંત ગંભીર રોગ થતા અટકે અને તેમનું આરોગ્ય જળવાય રહે તે હેતુથી અમલીકૃત ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ રાજ્યના ૩૧ જિલ્લામાં કુલ ૫૪ ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત છે. રાજ્યમાં હવે કુલ ૧૭૮ આરોગ્ય રથ થકી શ્રમિકો તથા તેમના પરિવારજનોને આરોગ્યવિષયક સેવાઓ ઉપલબ્ધ થશે. આ આરોગ્ય રથના માધ્યમથી ૭ વર્ષના સમયગાળામાં રાજ્યના ૪૨ લાખથી વધારે શ્રમયોગીઓને તેઓના ઘરઆંગણે સારવાર આપવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજાના હસ્તે ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ નવા ૫૦ રથોનું ફ્લેગ ઑફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ સંપૂર્ણ તબીબી તપાસના લાભાર્થીઓને શુભેચ્છાપત્રો એનાયત કરાયાં હતાં. આ કાર્યક્રમમાં શ્રમ આયુક્ત શ્રી અનુપમ આનંદ, શ્રમ અને રોજગાર નિયામક શ્રી લલિત નારાયણ સિંહ સંધુ તથા સેફટી નિયામક શ્રી પી. એમ. શાહ, વિભાગના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ અને વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં. -દિપક જાદવ/ઋચા રાવલ