Western Times News

Gujarati News

ધારી નગર પાલિકા રાજ્યની ૧૬૦મી નગર પાલિકા બનશે

ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાના દરજ્જાની મંજૂરી-ઈડર પાલિકાની હદમાં કરાયો વધારો

(એજન્સી)ગાંધીનગર, અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગર પાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી દીધી છે. જેમાં ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવીને ધારી નગર પાલિકાની રચના કરવામાં આવશે.

આમ ધારી નગર પાલિકા રાજ્યની ૧૬૦મી નગર પાલિકા બનશે. આ સાથે સાબરકાંઠાની ઈડર નગર પાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડિયાર માતા મંદિરથી ૬ કિલોમીટરના અંતરે વસેલું છે. એટલું જ નહીં, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.

આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારીની સાથે આર્થિક-સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગર પાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત, ધારી તાલુકાના ૨૫ જેટલાં ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે જલ્દીથી ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ સરળતાથી અને સમયસર મળી રહે તે માટે નગર પાલિકાની રચના કરવાનો હેતુ છે. ધારીને નગર પાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે.

આ સાથે નગર પાલિકાની નાગરિકલક્ષી સુવિધા મળવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. ગુજરાતમાં અત્યારે ‘અ’ વર્ગની ૨૨, ‘બ’ વર્ગની ૩૦, ‘ક’ વર્ગની ૬૦ અને ‘ડ’ વર્ગની ૪૨ મળી કુલ ૧૫૯ નગર પાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી ‘ડ’ વર્ગની નગર પાલિકા ધારી નગર પાલિકાનો ઉમેરો થશે.

જ્યારે મુખ્યમંત્રીએ આ ઉપરાંત અન્ય એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગર પાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. જેમાં ઘણા સમયથી ઈડરના લોકોની માંગણીને લઈને મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, આ બે ગ્રામ પંચાયતોનો ઈડર નગર પાલિકામાં મર્જ કરવા નિર્ણય કર્યો છે. ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલપમેન્ટ સરળતાથી થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.