માટી પુરાણના કામ પેટે 1.5 લાખના બદલે 23 લાખનો ખર્ચ કરતાં ધર્મજના સરપંચ – ડે.સરપંચ સસ્પેન્ડ
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદના વિકસીત ધર્મજ ગામના સરપંચ તથા ડે.સરપંચને સસ્પેન્ડ કરતો હુકમ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ધર્મજ ગ્રામ પંચાયતના આ બંન્ને હોદ્દેદારોને પોતાને મળેલ સત્તા અને ફરજાે બજાવવામાં નિષ્ફળ જતાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચરોતરના પેરિસ અને પેટલાદ તાલુકાના સમૃદ્ધ ગામ ધર્મજના સરપંચ ભાવનાબેન પટેલ અને ડે.સરપંચ બિરજુભાઈ પટેલને તેઓના હોદ્દા ઉપરથી આજરોજ જીલ્લા વિકાસ અધિકારીએ દૂર કર્યાનો હુકમ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે ધર્મજ ગ્રામ પંચાયતની તા.૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સામાન્ય સભા મળી હતી.
જેમાં કામ નં.૧૨ હેઠળ ગામમાંથી નીકળતા ઘનકચરાનો નિકાલ કરવા ડમ્પીંગ સાઈટ બનાવવાનું હતું. જેની પાછળ રૂપિયા દોઢ લાખ મંજૂર કરતો ઠરાવ નં.૩૫ કર્યો હતો. ત્યારબાદ ગામના સૂરજ બા પાર્ક પાસે ખાડો ખોદી માટી પુરાણ કરી લેવલીંગ કરવામાં આવ્યું હતું.
પરંતુ આ કામ પેટે દોઢ લાખના બદલે રૂ.૨૩.૫૩ લાખનો જંગી ખર્ચ કરી ચુકવણું કરી નાખ્યું હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. એટલે ઠરાવ કરતાં વધુ ખર્ચ સ્વભંડોળમાંથી કરી દેતા અને બજેટમાં કોઈ જ જાેગવાઈ નહીં કરતા નાણાંકીય ગેરરિતી આચરાઈ હોવાનું તાલુકા વિકાસ અધિકારી સામે આવ્યું હતું.
જેને કારણે ગત દિવસોમા તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજરોજ જીલ્લા વિકાસ અધિકારીએ હુકમમાં જણાવ્યું છે કે તેઓને મળેલ સત્તાઓ અને ફરજાે બજાવવામાં કસૂરવાર જણાતા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૭ (૧) હેઠળ ભાવનાબેન પટેલને સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે.
ઉપરાંત પેટલાદ તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ મુજબ પંચાયતના સરપંચ, સભ્યો, કર્મચારીઓ સાથે તા.૪ નવેમ્બર ૨૦૨૨ના રોજ ડે.સરપંચ બિરજુભાઈ પટેલે મનફાવે તેવું અસભ્ય વર્તન કર્યુ હતું. જેના અનુસંધાનમાં બિરજુભાઈ પટેલ વિરૂદ્ધ પેટલાદ રૂરલ પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. જેથી ડે.સરપંચને મળેલ સત્તાઓ અને ફરજાે બજાવવા ગેરવર્તણૂક અને શરમજનક વર્તન બદલ હોદ્દા ઉપરથી દૂર કરવાનો આજે હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે.